શ્રાવણમાં અષાઢી મેઘનો માહોલ શહેરમાં સવારથી ધોધમાર વરસાદ

અમદાવાદ: આમ તો અમદાવાદ સહિત ગુજરાતભરમાં લોકો ચાતકડોળે વરસાદની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ દર વખતે વરસાદ હાથતાળી દેતો હતો જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો-ડિપ્રેશનથી રાજ્યભરમાં ઓછા વત્તે અંશે વરસાદી મહોલ સર્જાયો છે.

તેમાં પણ અમદાવાદમાં તો પહેલીવાર આજે સવારથી જ અષાઢી મેઘનું વાતાવરણ જામતાં લોકો નોકરી ધંધે થઇ શકાશે કે કેમ તેની ચિંતામાં ગરકાવ થયા હતા. શહેરનો પૂર્વ વિસ્તાર રાબેતા મુજબ જળબંબાકાર થયો હતો.

નેશનલ હાઇવે પરનાં સર્વિસ રોડ પરની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયાં હતાં. તેમાંય મણિનગર જેવા પોશ વિસ્તારમાં ઘરની અંદર સુધી વરસાદી પાણી ફરી વળતાં નાગરિકો તોબા પોકારી ઊઠ્યા હતા.

દરમિયાન આજના સવારના વરસાદથી શહેરમાં વધુ ૧૫ ઝાડ ધરાશાયી થયાં હતાં તેમજ વરસાદી પાણી ભરાયાંની સ્ટેડિયમ, પાલડી, આંબાવાડી સહિતના વિસ્તારોની કુલ મળીને ૪૦ ફરિયાદ નોંધાઈ હતી.

આ લખાય છે ત્યારે પરિમલ અંડરપાસ, કુબેરનગર અંડરપાસ, અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસને ટ્રાફિકની અવરજવર માટે બંધ કરાયા છે જ્યારે આજે સવારના છ વાગ્યાથી ૧૦.૦૦ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ ચાર ઈંચ વરસાદ વરસતાં ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ ૧૨ ઈંચ થયો છે. વેજલપુરમાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગ દ્વારા શહેરમાં હજુ ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરાઇ છે. સામાન્ય રીતે શહેરમાં વરસાદે ક્યારેક અમી છાંટણાં તો ક્યારેક હળવો વરસાદ વરસીને નાગરિકોને ચોમાસાનો ખાસ અનુભવ કરાવ્યો નથી.

ગત ચોમાસાની તુલનામાં આ ચોમાસામાં વરસાદની સરેરાશમાં પચાસ ટકાથી વધુની ઘટ છે. તેમાંય છેલ્લા કેટલાક દિવસથી વરસાદની ઋતુને બદલે ઉનાળો ચાલતો હોય તેમ લોકોને લાગતું હતું. વરસાદ વિલંબમાં મુકાતાં મ્યુનિસિપલ તંત્ર પર મેઘરાજા મહેરબાન થયા છે તેવી પણ નાગરિકોમાં ચર્ચા ઊઠી હતી.

કેમ કે ગત ચોમાસાના પહેલા જ રાઉન્ડના સામાન્ય વરસાદમાં શહેરના રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા વત્તા પ્રમાણમાં નુકસાન થતાં રાજ્યભરમાં મ્યુનિસિપલ શાસકોની આબરૂના ધજાગરા ઉડ્યા હતા. પરંતે આ ચોમાસામાં વરસાદનું જોર નહીંવત રહેવાથી શહેરના રસ્તા હજુ સુધી સલામત રહ્યા છે તેમ પણ ચર્ચાયું હતું.

You might also like