સુરેશ રૈના બનશે રાજકોટનો કેપ્ટન

મુંબઈઃ પ્રતિબંધિત ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના બંને ખેલાડીઓ મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાને બે નવી ફ્રેંચાઇઝીના કેપ્ટન બનાવવાનું નક્કી થઈ ગયું છે. પુણે અને રાજકોટે પોતાના પહેલા ખેલાડી તરીકે ક્રમશઃ મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાને પસંદ કર્યા. ધોની પુણેનો કેપ્ટન બનશે એ વાતમાં કોઈ શંકા નથી, જ્યારે રૈનાએ પણ ખુદને રાજકોટ ટીમનો નવો કેપ્ટન બનાવાશે એ વાતની પુષ્ટિ કરી દીધી છે.

ઇન્ટેક્સની માલિકીવાળી રાજકોટની ટીમે ભારતના મર્યાદિત ઓવર્સના ફોર્મેટના નિષ્ણાત રૈનાને ગઈ કાલે ડ્રાફ્ટ પ્રક્રિયામાં સૌથી પહેલો પસંદ કર્યો. આ ટીમમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ અને ગુજરાતના જ રવીન્દ્ર જાડેજા પણ સામેલ છે. મેક્કુલમે આઇપીએલની બીજી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સનું નેતૃત્વ સંભાળ્યું હતું, આથી આ બંને ખેલાડીઓને પણ રાજકોટ ફ્રેંચાઇઝીની કેપ્ટનશિપના દાવેદાર માનવામાં આવી રહ્યા હતા, પરંતુ રૈનાએ એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું કે, ”હું રાજકોટ ટીમની સાથે કેપ્ટન તરીકે નવી શરૂઆત કરવાને લઈને બહુ જ ખુશ છું.” ત્યારે તેને પૂછવામાં આવ્યું કે શું કેપ્ટનશિપ અંગે ટીમના માલિકો સાથે વાતચીત થઈ ગઈ છે? ત્યારે રૈનાએ ‘હા’માં ઉત્તર આપ્યો હતો.

જ્યારે પુણે ફ્રેંચાઇઝીનાં સૂત્રોએ કહ્યું કે અમારા તરફથી ટૂંક સમયમાં ધોનીને કેપ્ટન જાહેર કરી દેવાશે. ધોની દરેક ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળી ચૂક્યો છે અને આઠ વર્ષ સુધી સીએસકેનો કેપ્ટન રહ્યો છે. હાલમાં તે ભારતીય વન ડે અને ટી ૨૦ ટીમનો કેપ્ટન પણ છે. જ્યાં સુધી રૈનાની વાત છે, તો તે ધોનીની ગેરહાજરીમાં કેટલીક વાર મર્યાદિત ઓવરની મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી ચૂક્યો છે. રૈનાએ ગઈ કાલે ડ્રાફ્ટ પ્રક્રિયા બાદ તરત ટ્વિટ પણ કર્યું હતું કે, ”આઇપીએલમાં સુંદર શહેર રાજકોટ તરફથી રમવાને લઈને રોમાંચિત છું. ટીમના નવા સાથીઓ અને ગુજરાતના લોકોના સમર્થનને લઈને હું બહુ જ ઉત્સુક છું.”

ગાવસ્કર પણ ભારતીય કેપ્ટનના પક્ષમાં
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ ઇચ્છે છે કે રાજકોટ ફ્રેંચાઇઝીનો કેપ્ટન કોઈ ભારતીય જ બને. ગઈ કાલે તેણે કહ્યું કે, ”આઇપીએલમાં એ તર્કસંગત હશે કે ટીમ પાસે ભારતીય કેપ્ટન હોય, જે સ્થાનિક ખેલાડીઓને જાણતો હોય, સ્થાનિક ખેલાડીઓના મજબૂત અને નબળા પક્ષને જાણતો હોય અને જો તમે બ્રેન્ડ મેક્કુલમને કેપ્ટન બનાવશો તો તમારે ભારતીય કોચની જરૂર પડશે.”

જોકે ગાવસ્કરનું માનવું છે કે પુણે ફ્રેંચાઇઝી પ્રબળ દાવેદાર તરીકે આઇપીએલ ૯માં ઊતરશે, કારણ કે તેની પાસે ભારતીય વન ડે અને ટી ૨૦ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે. ગાવસ્કરે કહ્યું, ”કોઈ પણ ટીમ, જેમાં ધોની છે તે પ્રબળ દાવેદારના રૂપમાં શરૂઆત કરશે. મહેન્દ્રસિંહ ધોની જે રીતની ક્રિકેટ રમે છે, તે એકલો પોતાના દમ પર મેચનું પાસું પલટી શકવા સક્ષમ છે. પુણે પાસે શાનદાર ફોર્મમાં રમી રહેલા અશ્વિન અને ફાફ ડુ પ્લેસિસ પણ છે. કોઈ પણ ટીમમાં સંતુલન મહત્ત્વનું છે. મને લાગે છે કે પુણેની ટીમ રાજકોટની સરખામણીએ વધુ મજબૂત છે.

You might also like