બિહારના વાતાવરણમાં આવેલો પલટાેઃ વજ્રપાત વાવાઝોડાથી આઠનાં મોત

પટણા: બિહારના વાતાવરણમાં એકાએક પલટો આવતાં જોરદાર આંધી સાથે આવેલા વજ્રપાત વાવાઝોડાના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં કુલ આઠ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આંધીના કારણે અનેક જગ્યાએ ઝાડ પડી ગયાં છે તેમજ કેટલાંક મકાનને નુકસાન થયું છે. આ ઉપરાંત હાઈટેન્શનનો તાર તૂટી જતાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જતાં અનેક જગ્યાએ અંધારપટ છવાઈ ગયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

બિહારના સમ‌સ્તીપુર જિલ્લાના વિભૂતિપુર પ્રખંડના મુસ્તફાપુર વોર્ડ- ૪ ખાતેની પ્રાથમિક શાળાનું મકાન પડી જતાં તેમાં કેટલાંક બાળકો દબાયાં હોવાની આશંકા છે, જેમાં એક વિદ્યાર્થિનીનો પગ ભાંગી ગયો હતો તેમજ કેટલાક અન્ય વિદ્યાર્થીને ઈજા થઈ હતી. આ દરમિયાન આવેલા વજ્રપાત વાવાઝોડાના કારણે અરરિયામાં ત્રણ, મધેપુરામાં બે અને મંુગેર-કટિહાર તથા પૂર્ણિયામાં એક-એક વ્યક્તિનાં એમ કુલ આઠ લોકોનાં મોત થયાં છે.

હવામાન વિભાગની આગાહી છે કે ભાગલપુરમાં આજથી ત્રણ દિવસ, ફારબિસગંજમાં ૧૦ એપ્રિલ સુધી તેમજ મધુબની અને મોતીહારીમાં ૧૧ એપ્રિલ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે, જ્યારે નાલંદામાં કાલે અને રવિવારે ગાજવીજ સાથે વરસાદ પડવાની તેમજ છપરા અને મુઝફ્ફરપુરમાં ૧૦ એપ્રિલ સુધીમાં આંધી અથવા વરસાદ પડવાની સંભાવના છે.

આંધીના કારણે અરરિયાના ઠનકામાં એક દંપતી સહિત ચાર વ્યકિતનાં મોત થયાં છે, જયારે અન્ય ત્રણને ઈજા થઈ છે, જ્યારે ભરગામાં પોલીસ મથકના રઘુનાથપુર ઉત્તર પંચાયતના વોર્ડ-૧૩માં પણ વાવાઝોડાથી ત્રણ લોકોનાં મોત થયાં છે. બીજી તરફ આંધી સાથે ફુંકાયેલા વાવાઝોડાના કારણે દરભંગા નજીક પસાર થતી વીજલાઈનનો હાઈટેન્શન તાર તૂટી જતાં આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.

You might also like