કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદ-બરફ વર્ષા, બેનાં મોત: રોહતાંગમાં ચાર ફૂટ હિમપાત

(એજન્સી) જમ્મુ: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કાશ્મીરના રામબન જિલ્લાના એક પહાડી ગામમાં હિમસ્ખલનના કારણે ૧૨ વર્ષની એક છોકરી સહિત બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે સતત બીજા દિવસે પણ બંધ રાખવો પડ્યો છે. હિમાચલ પ્રદેશમાં ૩૮૦ જેટલાં રસ્તાઓ બંધ થઈ ગયા છે અને તેના કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળ્યાં છે. એકલા શિમલામાં ૨૦૪ જેટલા રસ્તાઓ બરફ વર્ષા અને હિમસ્ખલનના કારણે બંધ રાખવાની ફરજ પડી છે.

હિમાચલ પ્રદેશના શિમલામાં કુફરી નજીક હિમપાતના કારણે બે બસ રસ્તામાં જ ફસાઈ ગઈ છે. સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા એક ઓપરેશન હાથ ધરીને સ્કૂલના ૭૦ બાળકો અને સ્ટાફ સહિત કુલ ૮૭ લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ તમામ બાળકો ઉત્તરપ્રદેશના લખનૌની એક શાળાના વિદ્યાર્થીઓ છે. કાશ્મીર અને હિમાચલ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર અને દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. કેટલાક મેદાની વિસ્તારોમાં કરાં પણ પડ્યા હતા.

સતત થઈ રહેલી બરફવર્ષાથી હિમાચલ પ્રદેશના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુર સચિવાલયથી તેમના સરકારી કાર્યાલય ઓકઓવર સુધી પગપાળા ગયા હતા, કેમ કે આ રસ્તા પર બરફ જામી ગયો છે અને વાહનો ત્યાં ચાલી શકે એમ નથી. મુખ્યપ્રધાને લોકોની વચ્ચે જઈને તેમની મુશ્કેલીઓનો ચિતાર પણ મેળવ્યો હતો અને અધિકારીઓને સતત એલર્ટ રહેવા, લોકોને મદદ કરવાના આદેશો આપ્યા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થવાની સંભાવના છે. ૨૬ જાન્યુઆરી સુધી ગાઢ વાદળો છવાયેલાં રહેશે અને વરસાદ પણ પડી શકે છે. દરમિયાન સૌથી વધુ વરસાદ હિમાચલના ધર્મશાળામાં નોંધાયો છે. શિમલામાં પણ ઠેર-ઠેર અડધો અડધો ફૂટ બરફ જામી ગયો છે અને તેના કારણે પ્રવાસીઓને બારે મુશ્કેલીઓ પડી રહી છે. શિમલાના અનેક ઘર-હોટલોની પાઈપોમાં પાણી જામી ગયું છે અને બીજી તરફ સતત વરસાદ પણ વરસી રહ્યો છે.

સમગ્ર ઉત્તરાખંડમાં પણ આજે સતત ત્રીજા દિવસે બરફ વર્ષા જારી રહી છે. કેદારનાથ અને બદરીનાથ વિસ્તારમાં બેથી ત્રણ ફૂટ સુધી બરફ પડ્યો છે અને તેના કારણે અનેક પ્રવાસીઓ ફસાયા છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર જવાહર સુરંગને ભૂસ્ખલન બાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે પ્રવાસીઓના હજારો વાહનો પણ અહીં ફસાઈ ગયા છે. તંત્ર સતત એલર્ટ મોડ પર રહીને કામ કરી રહ્યું છે, પરંતુ કાતિલ ઠંડી, સતત બરફ વર્ષા અને વરસાદના કારણે તેમને મુશ્કેલીઓ પડી રહી છે.

રોહતાંગમાં ચાર ફૂટ હિમપાત થતાં સ્થિતિ વધુ બગડી છે. અહીં જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસીઓને વિશેષ કાળજી રાખવા અને હવામાન વિભાગના અપડેટ્સ જાણ્યા બાદ જ હોટલની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. આસ્થાની નગરી પ્રયાગરાજમાં કુંભમેળા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટ્યા છે ત્યારે અહીં પણ હવામાને ઓચિંતો પલટો મારતાં લોકો પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગે અહીં સતત ૭૨ કલાક સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

You might also like