વરસાદ હોય ત્યારે અારટીઅોમાં નંબર પ્લેટ લગાવવા જશો નહીં!

અમદાવાદ: અમદાવાદ આરટીઓમાં વાહનોમાં હાઇસિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે રોજના 500થી વધુ લોકો આવે છે, પરંતુ નવાઇની વાત તો એ છે કે વરસાદ પડે ત્યારે આ કામગીરી બંધ કરી દેવામાં આવે છે, કારણ કે જ્યાં નંબર પ્લેટ ફિટ કરવામાં આવે છે ત્યાં શેડ નથી, જેથી વરસાદના કારણે પ્લેટ ફિટીંગ કરવાના મશીનમાં શોર્ટ સર્કિટ થવાના ભયથી કામકાજ બંધ કરવાની ફરજ પડે છે.

સુભાષબ્રિજ પાસે આવેલ આરટીઓમાં અરજદારો એપોઇન્ટમેન્ટ લઇને નંબર પ્લેટ ફિટ કરાવવા માટે આવે છે, પરંતુ વરસાદમાં જ ગઈકાલે નંબર પ્લેટ ફિટ કરવા આવેલ 350થી વધુ લોકોને નંબર પ્લેટ લગાવ્યા વગર જ પાછા ફરવાનો વારો આવ્યો હતો, કારણ એ હતું કે આરટીઓમાં જ્યાં નંબર પ્લેટ લગાવવામાં આવે તે જગ્યા પર શેડ ના હોવાના કારણે વરસાદી પાણી મશીન પર પડે છે જ્યારે પ્લેટ ફિટ કરવા માટે જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તે ફિટીંગ મશીન ઇલે‌િક્ટ્રક હોવાના કારણે મશીનમાં શોર્ટ સર્કિટનો ભય રહે છે જેથી વરસાદના કારણે બંધ રાખવામાં આવ્યું હતું.

આમ, વધુમાં અમદાવાદ આરટીઓના એચએસઆરપી મેનેજર દિગીશભાઇ ગોકલીએ જણાવ્યું હતું કે, “નંબર પ્લેટના ફિટીંગ માટે વપરાતું મશીન ઇલે‌િક્ટ્રક હોવાથી વરસાદના કારણે ફિ‌િટંગ વખતે સ્પાર્ક થાય છે, જેથી ફિટીંગ કરતી વ્યક્તિને કરંટ ના આવે તે માટે વરસાદમાં ફિટીંગનું કામકાજ બંધ કરી દેવામાં આવે છે, જેમાં નંબર પ્લેટ ફિટ કરાવવા આવેલાને બીજા દિવસે ફિટીંગ માટે બોલાવી લઇશું.
આમ તો હજુ ફક્ત પ્રથમ વરસાદમાં જ ફિટીંગનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેમાં 350થી વધુ લોકોને કામ થયા વગર પાછા ફરવું પડ્યું હતું અને તેઓને બીજા દિવસે નંબર પ્લેટ ફિટ કરવા માટે બોલાવ્યા છે, પરંતુ જો તંત્ર આવી જ રીતે વરસાદનું બહાનું કરીને એક-એક દિવસ મોડું કરશે તો બીજા દિવસે કામમાં ધસારો અને લોકોની હાલાકીમાં વધારો થશે, પરંતુ જો ફિટીંગ થાય છે તે જગ્યાએ શેડ બને તો આવી સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

આરટીઓમાં દિવસના હજારો લોકો લાઇસન્સ કે અન્ય કાર્ય માટે આરટીઓની મુલાકાત લેતા હોય છે પરંતુ આરટીઓમાં સુવિધાને નામે શૂન્ય હોય તેવું જણાય આવે છે. પાકાં લાઇસન્સ, નંબર પ્લેટ ફિટિંગ જેવાં કામકાજ કરવા માટે આવેલ અરજદારોને ગરમીની સિઝનમાં ગરમી અને વરસાદની સિઝનમાં વરસાદમાં પલળવાની હાલાકીનો સામનો કરવો પડે છે. પરંતુ તંત્ર દ્વારા એક શેડ બનાવાની તકલીફ લેવામાં નથી આવતી શહેરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને અાંબ્યો હતો. તે સમયે અરજદારોને ખુલ્લા મેદાનમાં ગરમીમાં ઊભા રહેવાની ફરજ પડી હતી જ્યારે વર્તમાન સમયમાં શેડ ન હોવાને કારણે લોકોને વરસાદમાં ઊભા રહેવાની ફરજ પાડવામાં આવે છે.

જ્યારે વર્તમાન સમયમાં ચોમાસની સિઝનમાં પણ લોકોને હવે વરસાદથી હેરાન થવાનો વારો આવ્યો છે જેમાં ટેસ્ટ આપતા સમયે લોકોને ભીના થઇને પાણી ભરેલા ટ્રેકમાં પરીક્ષા આપવી પડે છે. વધુમાં જે ટેસ્ટનો ટ્રેક બનાવામાં આવ્યો છે તે સિમેન્ટના બ્લોકથી બનાવામાં આવ્યો છે જેથી ટ્રેકના અમુક ભાગમાં પાણી ભરાઇ જાય છે અને સિમેન્ટ બ્લોક હોવાને કારણે બાઇક સ્લિપ ખાવાનો ભય વધી જાય છે જેથી ટ્રેક પર પણ શેડ હોય તેવી પણ લોકોની માગણી છે.

આમ અરજદારોના ટેસ્ટ ટ્રેક પાસે અને ટ્રેક પર શેડ બનાવવા અરજીઓ તથા ફરિયાદોને આધારે અમદાવાદ આરટીઓ અધિકારી જી.એસ. પરમારે જણાવ્યું હતું કે અમે અરજદારોની ફરિયાદને ધ્યાનમાં લઇને ચાર માસ પહેલાં જ લેખિતમાં PWDમાં અરજી કરી દીધી છે.

“ટેસ્ટે ટ્રેકમાં અને તેની બહાર શેડ હોવા જોઇએ..શેડના હોવાને કારણે ગરમીમાં લોકો બેભાન થવાના કિસ્સામાં વધારો થાય છે જ્યારે ટ્રેક બ્લોકથી બનાવેલ છે જેથી વરસાદમાં ટ્રેક પર પાણી પડવાથી બ્લોક લીસા થઇ જાય છે અને લોકોને ટેસ્ટ આપવા અધરી બને છે જ્યારે ટ્રેક ભીનો હોવાથી ટ્રેકમાં અકસ્માતની સંખ્યા વધારો થાય છે”….
હરીશભાઇ પટેલ (સંગઠન મંત્રી, અમદાવાદ સ્કુલ એશોશિયેશન)

“ગરમી શિઝનમાં નથી પરંતુ વરસાદને કારણે ટ્રેક ભીનો થઇ જાય છે… જેથી ભીના ટ્રેકમાં પરીક્ષા વધુ અધરી બની જાય છે જેથી શેડ બનાવવાની જરૂર છે.”
મોહિત ડાભી (મેમ્કો)

શેડ બનાવવો જોઇએ.. આ પ્રથમ વરસાદમાં જ ટ્રેક પણ પાણી ભરાઇ ગયુ છે જેથી ગાડી સ્લીપ થવાના ચાન્સીસ વધી જાય છે જ્યારે હુ વેઇટીંગમાં ઉભો હતો ત્યાં કોઇ શેડ ના હતો જેથી મારે વરસાદમાં પલળતા ટેસ્ટ આપવો પડ્યો….
જૈવીસ શાહ (નવરંગપુરા)

You might also like