સમયસર વરસાદનાં એંધાણના કારણે ડુંગળીના ભાવ તળિયે

અમદાવાદ: સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ હાલ તળિયે જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે વરસાદ પૂર્વે મે અને જૂન મહિનામાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે, પરંતુ સિઝનમાં ડુંગળીની અપેક્ષા કરતા ઊંચી આવક તથા ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર સહિત મહારાષ્ટ્રમાં પણ સમયસરના વરસાદના આગમનના પગલે ડુંગળીના ભાવ વધુ નીચા જવાની ભીતિ સેવાઇ રહી છે.

નોંધનીય છે કે ડુંગળીના ભાવ પાછલા બે-ત્રણ મહિનાથી સ્થિર ૮થી ૧૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ જોવા મળી રહ્યા છે તથા હજુ પણ તેમાં ઘટાડો આવે તેવી મજબૂત શક્યતા છે.  સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જાણકારોના કહેવા પ્રમાણે ચાલુ વર્ષે દેશના મોટા ભાગનાં રાજ્યોમાં સમયસર તથા પૂરતા પ્રમાણમાં વરસાદ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે. ડુંગળીનો પાછલો સ્ટોક પણ હજુ મોટા પ્રમાણમાં સ્ટોકિસ્ટો પાસે જમા છે. આવા સંજોગોમાં વરસાદ સમયસર આવવાનાં એંધાણ વરતાઇ રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા સ્ટોક થયેલી ડુંગળીના ભાવ નહીં મળવાની શક્યતાઓ પાછળ બજારમાં માલ ઠલવાઇ રહ્યો છે.

સ્થાનિક માર્કેટયાર્ડ સહિત મહારાષ્ટ્રની સૌથી મોટી નાસિક સહિત અન્ય માર્કેટયાર્ડમાંથી આવક વધી રહી છે અને તેના પગલે હોલસેલ બજારમાં ડુંગળીના ભાવમાં પાછલા એક મહિનામાં ૨૦ કિલોએ રૂ. ૨૦થી ૩૦નો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.
http://sambhaavnews.com/

You might also like