ખેલૈયાઓથી માંડીને ખેડૂતો સુધી મેઘાએ મજા બગાડી

અમદાવાદ : ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદ પડ્યો છે. નવરાત્રીનાં જેટલા દિવસો વિત્યા છે ત્યારે રોજે રોજ વરસાદે ધીમી ધારે બેટિંગ ચાલુ જ રાખી છે. આ વરસાદનાં કારણે ખેલૈયાઓનો ઉત્સાહ તો ભાંગી જ ગયો છે. સાથે સાથે તેમણે કરેલી તૈયારી પણ તેમને માથે પડી છે. પરંતું આ વરસાદ ખેડૂતો માટે પણ ખુબ જ ખરાબ માનવામાં આવેછે.

મળતી માહિતી અનુસાર આ વરસાદનાં કારણે પાકને ઘણુ નુકસાન થાય છે. આ વરસાદ જો મગફળીમાં પડે તો મગફળીનો વિકાસ તો અટકાવે જ છે. સાથે સાથે તેનાં છોડમાં ઇયળો પડી જાય છે જેનાં કારણે ઉગેલી મગફળી પણ ફેઇલ થઇ જતી હોય છે. તો કપાસમાં આ વરસાદનાં કારણે કપાસના છોડનો વિકાસ અટકી જાય છે સાથે સાથે કેટલોક કપાસ ઉઘડી રહ્યો હોય તેના પર પાણી પડતા તે કપાસ પણ ખરાબ થઇ જાય છે.

ખેલૈયાઓએ પણ રંગેચંગે તૈયારીઓ કરી છે. પરંતુ તેઓને પણ તૈયારી માથે પડી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વત્તા ઓછા પ્રમાણમાં પડતો જ રહ્યો છે. આ વખતે 10 નવરાત્રી હોવાનાં કારણે ખેલૈયાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જો કે વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલુ થતા ત્રણ દિવસ બાત્તલ ગયા હોય તેવું ખેલૈયાઓ અનુભવી રહ્યા છે.

જો કે ખેલૈયા કરતા પણ વિવિધ પાર્ટી પ્લોટમાં મોટા આયોજન કરનારા આયોજકો પણ હાલ મોટુ નુકસાનનું રોણુ રોઇ રહ્યા છે. લાખોનાં ખર્ચે કરવામાં આવતું આયોજન માથે પડ્યું છે. સાઉન્ડથી માંડીને ગાયકો અને ઓરકેસ્ટ્રાને નિયમ અનુસાર એડવાન્સ નાણા ચુકવવા પડતા હોય છે. જેનાં પગલે મોટા ભાગનાં નાણા ચુકવાઇ ચુક્યા છે. ત્યારે વરસાદ પડતા આયોજકો માટે પણ વિચિત્ર પરિસ્થિતી પેદા થઇ છે.

જો કે હાલ હાથી નક્ષત્ર ચાલી રહ્યું છે. અને એક કહેવત અનુસાર હાથી જાય ત્યારે ગમે ત્યા પુંછડુ પછાડે અને પછાડે ત્યાં ખાડો પાડે. કહેવત અનુસાર હાથી નક્ષત્રનાં છેલ્લા દિવસોમાં વરસાદ આવે અને જ્યાં આવે ત્યાં ખુબ મોટા પ્રમાણમાં આવે.

You might also like