વરસાદ અંગે હવામાન વિભાગ અને જ્યોતિષીઅો અેક મત

અમદાવાદ: આજે જયારે અડધું ભારત દુષ્કાળના ખપરમાં હોમાયું છે દેશના અનેકાનેક વિસ્તારોમાં લોકો પાણીનાં ટીપાં માટે રીતસરનાં તરસી રહ્યાં છે. ધરતી સુકી ભઠ્ઠ થતાં મોટાપાયે પ્રજા અન્ય વિસ્તારમાં સ્થાળાંતર કરી રહી છે. અબોલ પશુઓ દરરોજ મોતનાં ખપ્પરમાં હોમાઇ રહ્યાં છે. આવા કપરા સંજોગોમાં આગામી ચોમાસામાં દેશભરમાં સારી એવી મેઘમહેર થશે તેવી હવામાન ખાતાની આગાહીમાં જયોતિષશાસ્ત્રએ પણ સૂરમાં સૂર પુરાવ્યા છે. જયોતિષશાસ્ત્ર અનુસાર પણ આગામી ચોમાસું વરસાદની દૃષ્ટિએ સો ટકા રહેશે.

જાણીતા જયોતિષી ચેતન પટેલ કહે છે, મેઘ સ્વામી શનિશ્ચરાય એવું સૂત્ર હોઇ આ જ્યારે ગોચરમાં શનિનું રાશિ ભ્રમણ બળવાન કે નિર્બળ થાય છે ત્યારે તદનુસાર વરસાદ પડે છે. હાલમાં શનિ જળચર રાશિ વૃશ્ચિકમાં રાશિ ભ્રમણ કરી રહ્યો છે. એટલે આ વર્ષે ચોમાસું સો ટકા રહેશે. પરંતુ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિ કૂટ રાશિ છે જેના કારણે સમગ્ર દેશમાં ઘણી જગ્યાએ અતિ વર્ષા, તોફાની વરસાદ, વાવાઝોડા સાથેનો વરસાદ, પૂર જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. આની સાથે સાથે ઘણી જગ્યાએ ઓછા વરસાદની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે.

જાણીતા જયોતિષી અંબાલાલ પટેલ પણ કહે છે, ‘આ વર્ષે ચોમાસામાં સમગ્ર દેશમાં ૧૦પ ટકા વરસાદ થવાની શકયતા છે.’ જયોતિષી અંબાલાલ પટેલ વધુમાં કહે છે, રોહિણી નક્ષત્રમાં સૂર્ય આવતાં હવામાન પલટાય અને તા.ર૭મેથી તા.૬ જૂન દરમ્યાન વંટોળ સાથે ઝાપટા ઘણા ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શકયતા છે. કેટલાક ભાગોમાં એકથી બે ઇંચ વરસાદ થવાની સંભાવના છે. ચેતન પટેલ પણ કહે છે ગ્રહો અનુસાર પ્રિ મોન્સૂન એકિટવિટી સર્જાઇને અવારનવાર વરસાદી ઝાપટાં કે કયાંક એકથી બે ઇંચ વરસાદ ખાબકી શકે છે.

You might also like