દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર પધરામણી, લોકો મુશ્કેલીમાં મુકાયા

સુરત: વલસાડ જિલ્લામાં ગતરાત્રીથી અવિરત વરસી રહેલો વરસાદ અટકવાનો નામ લઈ રહ્યો નથી. જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ગતરાત્રીથી બપોર સુધીમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં ખાબક્યો છે. 141 મિમિ જેટલા ખાબકેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લાના આંકડા ની વાત કરીયે તો વલસાડમાં 122મીમી, વાપીમાં 148મીમી, પારડીમાં 116મીમી, ઉમરગામમાં 177મીમી, ધરમપુરમાં 138મીમી અને કપરાડામાં 141 મિલી મીટર વરસાદ નોંધાયો છે.

આ ઉપરાં વાપીમાં 5.5 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ લોકો માટે મુસિબત બની ગયો હતો. વહેલી સવારે શાળા એ જતા બાળકો જ્યારે બપોરે પરત ઘરે ફર્યા ત્યારે રસ્તામાં ઘૂંટણસમા પાણીમાં ફસાયા હતા. ગુંજન ,ચાલ ,ચાણોદ અને સી ટાઈપ જી.આઈ.ડી.સીના માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. જેથી બાઈક ચાલકો અને રાહદારીઓ એ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ પહેલા જ ભારે વરસાદે વાપી પાલિકા ની પ્રિ મોન્સૂન કામગીરી ની પોલ ખોલી નાખી હતી.

સુરત
સુરતમાં આજે વહેલી સવારથી વરસાદની એન્ટ્રી થઇ હતી. વહેલી સવારે ઠંડા પવન સાથે આવેલા વરસાદથી લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. પરંતુ વરસાદ અવીરત ચાલું રહેતા સવારે નોકરી પર જતા લોકો હેરાન થયા હતા. તો અમરેલીમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી .જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

તાપી
તાપી જિલ્લામા આ વર્ષે મેઘરાજાએ મોડે મોડે પધરામણી કરી છે, આજથી શરૂ થયેલા વરસાદ કારણે સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ છે. આજે સવારથી શરૂ થયેલ વરસાદ સરેરાશ 225 એમ એમ જેટલો વરસ્યો હતો. ઉકાઈ ડેમમાં પણ નવા નીરની શરૂઆત થતા ડેમના ઉપરવાસમાંથી લઘભગ 4 હજાર યુસેક પાણીની આવક થઈ છે. જેને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે અને ધરતી પુત્રો ખેતીમાં જોતરાઈ ગયા છે.

નવસારી
નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદનું આગમન થયું છે. ત્યારે ગતરાત્રી દરમિયાન ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે નવસારી અને વિજલપોર શહેરના મુખ્ય માર્ગો તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, અત્યાર સુધીમાં નવસારીમાં સરેરાશ 10 ઇંચ વરસાદ નોંધાતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેતી માટે પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

You might also like