રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ

અમદાવાદ:  અમદાવાદ સહિત રાજ્યમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને વરસાદી છાંટા પણ પડ્યા હતા જેને લઈને અગામી ૪૮ કલાકમાં વરસાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી પ્રવેશ કરશે. વાતાવરણમાં ઠંડક રહેશે અગામી 5 દિવસ માં આવી રીતે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે.

આ સાથે સાથે ૨૨ જુન પછી પશ્ચિમ બંગાળમાં એક સીસ્ટમ બની રહી છે અપર એર સર્ક્યુલેશનની જેના પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. ઉપરાંત ૨૭ થી ૨૮ જુનમાં વરસાદ પૂર્ણ રીતે પ્રવેશ કરે તેવી સંભાવના છે. મુંબઈમાં વરસાદે એન્ટ્રી મારી લીધી છે તો હવે ગુજરાત વાસીઓ હવે વરસાદ ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

વલસાડ જિલ્લામાં ધીમી ધારે વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ જામ્યું હતું, પરંતુ વરસાદ વરસતો નહોતો, ત્યારે આજે મેઘ મહેર થઈ છે. સવારથી જિલ્લાના તમામ વિસ્તારોમાં આકાશ કાળા ડિબાંગ વાદળો થી ઘેરાયેલું હતું. ત્યારે જિલ્લામાં વરસાદની પધરામણી થઈ છે. વાપી પંથકમાં ધીમી ધારે વરસાદ સારું થતા લોકોએ પહેલા વરસાદને માણ્યો હતો.

ગઢડામા વહેલી સવારથી મેઘરાજાની પઘરામણી
રાજયના અનેકઅનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં ઘીમી ઘારે વરસાદ નોંધાયો છે, ત્યારે બોટાદ અને જિલ્લામાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે બોટાદના ગઢડામા વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તેમજ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદી છાંટા
અરવલ્લી જીલ્લાના હવામાનમાં મોડી રાતે અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના ચમકારા સાથે જીલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આમ અરવલ્લી જીલ્લામાં વરસાદનું આગમન થયું હતું. જીલ્લાના મોડાસા ભિલોડા અને બાયડમાં વરસાદી છાંટા પડ્યા હતા. જયારે જીલ્લાના ધનસુરામાં ૫ મિનીટ કરતાં પણ વધારે સમય સુધી વરસાદ પડ્યો હતો જેથી લોકોને ગરમીથી રાહત થઈ હતી. ઘણા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને પણ રાહત થઈ હતી આ વખતે સારો વરસાદ થવાની શક્યતાના લીધે આ શરૂઆતના વરસાદથી ધરતી પુત્રો ખુશ થયા હતા.

You might also like