ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણીના પગલે 4 દિવસ રેડ એલર્ટ જાહેર

અમદાવાદ: ગુજરાતના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની ચેતવણી સાથે આગામી ચાર દિવસ માટે રેડ એલર્ટની પણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના ઉત્તર, મધ્યપૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. વલસાડના કપરાડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ જ્યારે લુણાવાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં આજે 31 તાલુકાઓમાં એકથી ત્રણ ઇંચ અને 27 તાલુકામાં અડધાથી એક ઇંચ વરસાદ થયો છે. 59 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે જેમાં સંતરામપુર તાલુકામાં ચાર, ધરમપુર, ખેરગામ, મહુધામાં ત્રણ ઇંચ, કપરાડા, ઇડર, કપડવંજ, ધાનપુર, સુબીર, કંડાણા અને મેધરજમાં બેથી વધુ ઇંચ વરસાદ નોધાયો છે.

અમદાવાદ
મંગળવારે અમદાવાદમાં દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો. મંગળવારે બપોરથી રાત સુધી વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ ઝોનમાં 74મીમી, પશ્ચિમ ઝોનમાં 39મીમી, નવા પશ્ચિમ ઝોનમાં 28મીમી, મધ્ય ઝોનમાં 39મીમી, ઉત્તર ઝોનમાં 30મીમી, અને દક્ષિણ ઝોનમાં 51મીમી વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર
ગાંધીનગરના સંતરામપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો લીમખેડામાં એક ઇંચ, ધાનપુરમાં બે ઇંચ, ઝોલોદમાં પોણો ઇંચ વરસાદ, ફતેપુરમાં બે ઇંચ અને દેવગઢ બારીયામાં બે ઇંચ વરાસદ ખાબકયો હતો. આમ રાજ્યમાં 31 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ 27 તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં સવારથી વાતાવરણ વરસાદી બન્યું હતું. ભારે બફરા અને વાદળો વચ્ચે બપોર બાદ સૌરાષ્ટ્રમાં અમુક સ્થળે ઝરમર અને રાજકોટમાં મુશળધાર વરસાદ વરસી ખાબક્યો હતો. રાજકોટના મેટોડા, વાજડી અને ઇશ્વરિયામાં ધોધમાર બે ઇંચ વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલું હવાનું દબાણ મજબૂત બનતાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. થોડા વરસાદના પગલે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રમાં ગોંડલ, જુનાગઢ, મોરબી, સહિતના વિસ્તારોમાં કયાંક ધીમી ધારે તો કયાંક મુશળધાર વરસાદ વરસી પડ્યો હતો. જો કે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

દ. ગુજરાત
મધ્યપ્રદેશમાં સર્જાયેલ હવાનાં દબાણને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે . જેના પગલે વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમા પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી દમણગંગા નદીનાં કિનારે આવેલા 13 ગામોના લોકોને સાવચેત કરવા માટે સુચના આપવામાં આવી છે. તો ડાંગમાં અવિરત પણ મેઘ મહેર થઈ છે. અત્યાર સુધી માં સીઝન નો 20 ટકા વરસાદ તો પડી ચુકયો છે, ત્યારે જિલ્લાની તમામ નદીઓ બંન્ને કાંઠે વહી રહી છે. સાપુતારામાં આવેલ સર્પગંગા તળાવ માત્ર ચોવીસ કલાકના વરસાદથી 80 ટકા ભરાઈ જતાં સાપુતારામાં વાર્ષિક પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ગયો છે. તો સરહદી જીલ્લા બનાસકાંઠામાં પણ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. જેને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો અનેક દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન થયુ હતું.

વડોદરા
વડોદરામાં વહેલી સવારથી વરસાદની ધીમેધારે શરૂઆત થઇ. ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઇ રહ્યો છે. લાંબા સમય રાહ જોવડાયા બાદ મેઘ મહેર થતાં નાગરિકોમાં આનંદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો આ તરફ અમદાવાદમાં આજે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ રાહત અનુભવી છે. વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં નોધાયો હતો. તો વરસાદ પડતા જ પૂર્વમાં ભુવા અને પાણી ભરાયાના બનાવો સામે આવ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા અગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર
લાંબા સમયના વિરામ બાદ સુરેદ્રનગર જિલ્લામાં વરસાદનું આગમન થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. સાથે લોકોએ વરસાદની મજા માણી હતી. વરસાદને કારણે શહેરના અમુક માર્ગો તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ખેડૂતોના સૂકાયેલા કપાસ, જુવાર, તલ, મગ સહિત શાકભાજીના પાકને વરસાદથી જીવતદાન મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં લખતર-22, મુળી-0, વઢવાણ-06, ચોટીલા-19, ચુડા-03, પાટડી-21, ધ્રાંગધ્રા-01, થાન-82, લીંબડી-13 અને સાયલા-59 મીમી વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી
અરવલ્લી જીલ્લામાં પણ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જિલ્લાના મુખ્યમથક મોડાસા સહિત આજુબાજુના ગામોમાં મુશળધાર વરસાદ પડતાં લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. ગત રાત્રીથી જ સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદ ખાબક્યા બાદ આજે બપોરના સુમારે મોડાસા શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.

પાટણ
રાજ્યભરમાં મેઘરાજાના મંડાણ થયા છે, અને તમામ જિલ્લાઓમાં સ્થાનિક તંત્રને સાવચેત રહેવા જણાવાયું છે. જો કે પાટણવાસીઓ રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ભારે વરસાદની આગાહી છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશોએ અગમચેતીના ભાગ રૂપે કોઈ આયોજન કર્યું હોય તેવું નથી દેખાઈ રહ્યું, અને અધિકારીઓ ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

મહેસાણા
મહેસાણા જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ ઉંઝા તાલુકામાં નોંધાયો છે..જેમાં આઠ કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે.તો મહેસાણામાં 36 કલાકમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો સતલાસણા તાલુકામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારની 50 કરતાં વધુ સોસાયટી ઓમાં પાણી ભરાયા છે. જેમાં રાધનપુર રોડ વિસ્તાર અને વિસનગર લિંક રોડ સોસાયટીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ધરોઇ ડેમમાં હાલનું જળસ્તર 597.11 ફૂટ છે.જ્યારે નવા પાણીનીઆવક માત્ર 2270 કયુસેક છે.

You might also like