આંધ્રપ્રદેશ તેલંગણામાં વરસાદનો કહેર હથાવત, 13ના મોત

આંધ્રપ્રદેશઃ થોડા દિવસની રાહત બાદ ફરી વરસાદનો દોર આંધ્રપ્રદેશ અને તેલંગણામાં શરૂ થયો છે. ત્યારે ભારે વરસાદને કારણે 13 લોકોના મોત થયા છે. જ્યારે આ તરફ મુંબઇવાસીઓ માટે પણ ભારે વરસાદ મુશ્કેલીઓ પેદા કરી રહ્યો છે.

આંધ્રપ્રદેશના ગંટૂર અને કૃષ્ણ નદીના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કેએલ રાવ સાગર તળાવ પણ સંપૂર્ણ ભરાઇ ગયું  છે. જેની ક્ષમતા 45.77 ટીએમસી ફૂટ જ છે. કેએલ રાવ સાગરમાં 1.51 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જે વિજયવાડાની કૃષ્ણા નદીના પ્રકાશમ ડેમમાં જઇ રહ્યું છે. તો ભારે વરસાદને પગલે સિંકદરાબાદ અને ગુંટૂરની વચ્ચે પણ રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. રેલવેના પાટા પર પાણી ફરી વળ્યા છે.

તો આ તરફ હૈદ્રાબાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સરકારે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. તો સરકારે કેટલાક વિસ્તારોમાં બચાવ કામગીરી માટે સેનાની મદદ માંગી છે. રાજ્ય સરકારે ગ્રેટર હૈદ્રાબાદ વિસ્તારમાં શાળાઓમાં પણ રજા જાહેર કરી દીધી છે. સેનાને વિવિધ વિસ્તારના નકશા સોંપવામાં આવ્યા છે. તો  આ તરફ મુંબઇમાં પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં એક સપ્તાહથી મુંબઇમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી પણ અહીં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

You might also like