અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ લોકોને હાથતાળી આપતો રહ્યો છે, પરંતુ આજે સવારે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સવારથી ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક મધ્યમ કક્ષાનો વરસાદ અને કેટલાક વિસ્તારમાં વરસાદી ભારે ઝાપટું પડવાથી પુનઃ ચોમાસું જમાવટ કરી રહ્યું હોય તેવું પ્રતીત થયું છે.

સામાન્ય રીતે કુમારિકાઓના ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રતના દિવસોમાં અષાઢી મેઘ જોવા મળે છે, પરંતુ આ વખતે વ્રતના દિવસોમાં મુશળધાર વરસાદના બદલે અમુક વાર તડકો નીકળ્યો હતો. અષાઢ મહિનાના શુકલ પક્ષનું પખવાડિયું વીતી ગયું હોવા છતાં હજુ સુધી મેઘરાજા મન મૂકીને અમદાવાદ પર વરસ્યા નથી.

આજે સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં શહેરમાં વધુ સાડા ત્રણ એમએમ વરસાદ નોંધાતાં અમદાવાદમાં ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ આશરે પોણા આઠ ઇંચ થયો હોવાનું ટાગોરહોલ સ્થિત મ્યુનિસિપલ મધ્યસ્થ કંટ્રોલ રૂમનાં સૂત્રો કહે છે. આ સૂત્રો વધુમાં કહે છે કે ચાલુ ચોમાસાની સિઝન દરમ્યાન આજ સુધીમાં રોડ સેટલમેન્ટની કુલ ૧૪, ભયજનક ઝાડ, ટ્રી‌િમંગ ઝાડ અને જમીનદોસ્ત થયેલા ઝાડની કુલ ૬૧, ભયજનક મકાન અને દીવાલની કુલ ૧પ અને વરસાદી પાણી ભરાયાની કુલ ૪પ ફ‌િરયાદ તંત્રના ચોપડે નોંધાઇ છે.

દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી તા.૧૮ જુલાઇ સુધી શહેરમાં અષાઢી મેઘ તૂટી પડવાની શક્યતા નથી, જોકે અમદાવાદમાં વરસાદનાં હળવાંથી મધ્યમ ઝાપટા પડી શકે છે. તા.૧૩ જુલાઇની સવારથી તા.૧૬ જુલાઇની સવાર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

http://sambhaavnews.com/

You might also like