વ્હીસ્કી વેધરઃ રિમઝિમ વરસાદથી શહેરમાં હિલસ્ટેશન જેવો માહોલ

અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ધીમા પગલે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. હજુ મેઘરાજા મન મૂકીને શહેરમાં વરસ્યા નથી, પરંતુ હળવી ધારના વરસાદ કે પછી ભારે ઝાપટાથી ધરતી તૃપ્ત થઈ હોય તેમ માહોલ પલટાઈ ગયો છે. ચોતરફ ઠંડક પ્રસરી જવાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. આવું ‘ઠંડા ઠંડા કૂલ કૂલ’ જેવું હિલ સ્ટેશન જેવું હવામાન આવતા શનિવાર સુધી જળવાઈ રહેવાનું છે.

આમ તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં રિમઝિમ રિમઝિમ વરસાદ જ પડ્યો છે. પૂર્વના મણિનગર, ચકુડિયા મહાદેવ, ઓઢવ જેવા વિસ્તારમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ નોંધાયો છે.

ટાગોલહોલ સ્થિત મધ્યસ્થ કંટ્રોલરૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં શહેરમાં વધુ સાત એમએમ વરસાદ નોંધાતાં ચાલુ ચોમાસાની િસઝનનો કુલ વરસાદ ૬૫ એમએમ થયો છે. હવામાન વિભાગની કચેરી દ્વારા આગામી તા.૫ જુલાઈ સુધી શહેરમાં વાદળછાયા આકાશ સાથે મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની આગાહી કરાઇ છે. દરમિયાન છેલ્લાં દસ વર્ષમાં જુલાઈ મહિનામાં વરસાદના રેકોર્ડની વિગત તપાસતાં ગત તા.૩૦ જુલાઈ, ૨૦૧૪એ એક જ દિવસમાં સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સમગ્ર જુલાઈ મહિનામાં પડેલા વરસાદના રેકોર્ડમાં પણ જુલાઈ-૨૦૧૪ અવલ રહ્યો હતો.

જુલાઈ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ વરસવાનો ઓલટાઈમ રેકોર્ડ છેક નેવું વર્ષ પહેલાં નોંધાયો હતો. ગત તા.૨૭ જુલાઈ, ૧૯૨૭એ અમદાવાદમાં ચોવીસ કલાકમાં ૧૬.૫ ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર બની જતાં હજારો નાગરિકો ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like