શહેરમાં મોડી રાતથી ઝરમર વરસાદઃ કોતરપુરમાં અડધો ઈંચ

અમદાવાદ: રાજ્યભરમાં પ્રી-મોન્સૂન એક્ટિ‌િવટીનો ધમાકેદાર આરંભ થઇ ગયો છે. આ પ્રી-મોન્સૂન એક્ટિ‌િવટીના ભાગરૂપે અમદાવાદમાં પણ ગઇ કાલ સાંજથી વરસાદી માહોલ સર્જાયો હતો, તેમાં પણ રાત્રે બે વાગ્યાની આસપાસથી ઝરમર વરસાદ વરસતાં ધાબા પર દિવસના આકરા તાપથી કંટાળીને સુનારા લોકો તાબડતોબ પથારી સંકેલી ઘર ભેગા થઇ ગયા હતા. દરમ્યાન અમદાવાદમાં આગામી તા.૧૬ જૂન સુધી આવો વરસાદી માહોલ રહેવાની સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા આગાહી કરાઇ છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અનુભવતા શહેરીજનોને ગઇ કાલે સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાનો લહાવો મળ્યો હતો, પરંતુ મોડી રાત બાદ લગભગ આખા શહેરમાં ઝરમરિયો વરસાદ પડ્યો હતો. કોતરપુરમાં મોડી રાતે બેથી સવારના છ વાગ્યા સુધીમાં અર્ધા ઇંચથી વધુ વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

ટાગોરહોલ ખાતે સ્થિત મ્યુનિસિપલ મધ્યસ્થ કંટ્રોલરૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યા સુધીના છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૬.૦ એમએમ અને શહેરમાં અંદાજે ર.૦૮ એમએમ વરસાદ નોંધાયો છે. કોતરપુર ઉપરાંત રાણીપ, ચાંદખેડા, ગોતા, નરોડા વગેરે વિસ્તારમાં ૩ થી ૬ એમએમ સુધીનો વરસાદ પડ્યો છે.

જ્યારે સુરતમાં ગઇ કાલે મોડી રાતે ધોધમાર વરસાદ ખાબકતાં અડાજણ, કતારગામ અને નાનપુરાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા. આજે સવારે પણ વરસાદે હાહાકાર મચાવતાં કોર્પોરેશનના પ્રી-મોન્સૂન એકશન પ્લાનની કામગીરીની પોલી ખૂલી ગઇ હતી. સુરત જિલ્લાના અમુક વિસ્તારોમાં આગામી તા.૧૩ એપ્રિલ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા હોઇ વહીવટીતંત્ર સાબદું બન્યું છે.

દરમ્યાન બોટાદના ગઢડામાં સવારે દોઢ કલાકમાં બે ઇંચ જેટલો વાવણીલાયક વરસાદ ખાબકતાં ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા. રાજકોટમાં અને ભાવનગરમાં પણ સવારથી વરસાદી માહોલ સર્જાઇને હળવા ઝાપટા પડતાં લોકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. અમરેલી જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં હર્ષ વ્યાપી ગયો છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં હજુ ખાસ મેઘમહેર થઇ નથી. જોકે કયાંક ક્યાંક હળવો વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં પણ મેઘમહેર થઇ હોવાના સમાચાર છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ ગઇ કાલ મોડી રાતથી જિલ્લાભરમાં વરસાદ વરસતાં ચોતરફ ઠંડક પ્રસરી ગઇ હતી. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા આવતી કાલ તા.૧૧ જૂને દક્ષિણ ગુજરાત અને તા.૧ર-૧૩ અને ૧૪ જૂને સમગ્ર રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

You might also like