શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદથી લોકોમાં હાશકારો

અમદાવાદ : અમદાવાદીઓ છેલ્લા લાંબા સમયથી વરસાદની ચાતકપેટે રાહ જોઇ રહ્યા છે. જો કે આજે સાંજે સમગ્ર અમદાવાદમાં વરસાદ થયો હતો. શહેરનાં મોટાભાગનાં વિસ્તારમાં વરસાદ પડવાથી શહેરમાં હાશકારો થયો હતો. સવારથી જ આકાશમાં વાદળ ગોરંભાયો હતો. જો કે લાંબા સમયથી અમદાવાદીઓને વરસાદ હાથતાળી આપીને જતો રહેતો હતો. શહેરનાં જજીસ બંગલો, એસજી હાઇવે, બોપલ, ઘાટલોડીયા, પાલડી, વસ્ત્રાપુર, સેટેલાઇટ, વેજલપુર સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

સમી સાંજે વરસાદ અચાનક ચાલુ થઇ જતા વાતાવરણ તો ખુશનુમા થઇ ગયું હતું. ઉપરાંત ઓફીસથી છુટવાનો પણ સમય હોવાનાં કારણે મોટાભાગનાં લોકો વરસાદનો આનંદ લેતા લેતા ઘરે પહોંચ્યા હતા. તો બીજી તરફ નાસ્તાની લારીઓ અને ખાસ કરીને દાળવડાની લારીઓ પર ભારે ભીડ થઇ ગઇ હતી.

જો કે વરસાદ પડવાની સાથે જ ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા અને કોર્પોરેશનની મોનસુન કામગીરી દરવર્ષની જેમ ધોવાઇ ગઇ હતી. રસ્તાઓ પર ઠેરઠેર બાઇક ચાલકો બંધ બાઇકને ચાલુ કરવા માટેનાં પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. જો કે લાંબા સમયથી ખેંચાઇ ગયેલો વરસાદ પડી જતા સમગ્ર શહેરમાં ઠંડકની સાથે સાથે હાશકારો પણ થયો હતો.

You might also like