દક્ષિણ કાશ્મીરમાં વરસાદ-પ્રચંડ પૂરઃ ૨૦ હજારથી વધુ અમરનાથ યાત્રિકો ફસાયા

નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીરમાં ભારે વરસાદથી પ્રચંડ પૂર આવતા જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારમાં સ્થિતિ વણસી ગઈ છે. સતત વરસાદથી ૨૦ હજારથી વધુ અમરનાથ યાત્રિકો પૂરમાં ફસાયા છે. જ્યારે ૪૦ હજાર યાત્રિકો પરત ફરી રહ્યા છે.

કૈલાસ માનસરોવરમા પણ કેટલાક યાત્રિકો ફસાયા છે. બીજી તરફ હિમાચલમાં પણ રાવી નદીમાં પૂર આવતાં તબાહી મચાવતાં જનજીવન ખોરવાઈ ગયું છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ વરસાદે કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદથી કાશ્મીર અને રાજસ્થાનમાં બે વ્યકિતનાં મોત થયાં છે.

ખરાબ હવામાનને કારણે આજે અમરનાથ યાત્રાને સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી છે. અને હવે હવામાન સારું થયા બાદ આ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. ભારે વરસાદથી કાશ્મીરમાં ઝેલમ નદી ભયજનક સપાટીએ વહેતા એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.

છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ શ્રીનગર હાઈવે પર ૧૩૨.૪ મી.મી. વરસાદ થયો હતો. શ્રીનગરમાં ૧૧૨.૬ મી.મી. વરસાદ થયો હતો. અનંતનાગમાં ૬૩.૪ અને કાઝાગુંડમાં ૫૮.૬ મી.મી. વરસાદ થયો હતો. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગાંવમાં ૨૭.૮ મી.મી. વરસાદ થયો હતો.

ગાંગર રોડ પર ભૂસ્ખલનને કારણે ૨૬૦ કિલોમીટર લાંબો હાઇવે બંધ થતાં કાશ્મીર દેશથી વિખુટું પડી ગયું હતું. સતત ત્રીજા દિવસે યાત્રા પર ખરાબ હવામાને બ્રેક લગાવી દીધી છે. રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે બાલતાલ અને પહેલગાંવ બંને રસ્તા પર યાત્રા રોકી દેવામાં આવી છે.પવિત્ર ગુફાના રસ્તામાં અંદાજે ૧૦૦ મીટરનો ટ્રેક વરસાદમાં વહી ગયો છે.

આ સિવાય નાના-નાના પુલ પણ ધોધમાર વરસાદમાં વહી ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ખરાબ વાતાવરણના કારણે શ્રદ્ધાળુઓને જમ્મુ કેમ્પ પર જ રોકી દેવામાં આવ્યા છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘણી જગ્યાએ ભૂસ્ખલનના કારણે કાલી માતા ટ્રેક ખરાબ થઈ ગયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પવિત્ર ગુફા સુધી પહોંચવા માટેનો તેની આગળનો ૧૦૦ મીટર ટ્રેક ધોવાઈ ગયો છે. આ સિવાય નાનાં નાનાં તળાવો પણ છલકાઈ ગયાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ થોડા દિવસ સુધી વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે. જોકે ખરાબ વાતાવરણ અને આતંકીઓનો ડર હોવા છતાં ક્ષદ્ધાળુઓ દર્શન કરવા માટે અડગ છે.અધિકારીઓએ કહ્યું કે હવામાન સારું થતાં તરત જ યાત્રા શરૂ કરાશે.

ઉત્તરાખંડના સમાલ ગામમાં ભૂસ્ખલનથી હાઈવે બંધ
દરમિયાન ઉત્તરાખંડમાં પણ મોન્સૂન સક્રિય થતાં આ વિસ્તારમાં ભારે વરસાદ થતાં અનેક જગ્યાએ અફરાતફરી મચી છે. જેમાં ઉત્તરાખંડના સમાલ ગામમાં ભૂસ્ખલનથી હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. આ ઘટનાથી ગામના કેટલાંક વિસ્તારમાં પહાડનો કાટમાળ ઘૂસી જતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડી રાહત બચાવ કામગીરી હાથ ધરી છે. આ દરમિયાન હોશિયારપુરના સુવિધા કેન્દ્રમાં એક કોન્સ્ટેબલ કમલજિતનું નાળામાં ડૂબી જતાં મોત થયું હતું.

પંજાબમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે પંજાબમાં પણ આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની સંભાવના છે, હાલ આ વિસ્તારમાં વરસાદ થયો નથી પણ હવે આજે કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે જે એક સપ્તાહ ચાલુ રહેવાની સંભાવના છે.

You might also like