રાજ્યમાં મેઘરાજાની ફરી પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

રાજ્યમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો કુલ સરેરાશ 62.97 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 156 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજાર અને ગાંધીધામમાં નોધાયો છે.

છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજાર અને ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ પડયો છે. જ્યારે અબડાસા- ધરમપુર અને વધાઈ સહિત 6 તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં વરસાદનું આગમન થયુ છે. વહેલી સવારથી શામળાજીમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠામાં વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ છે.

બનાસકાંઠાના ડીસા, પાલનપુર, દાંતીવાડામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ફરી વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાએ પધરામણી કરી છે. અમદાવાદ શહેરના જૂદા-જૂદા વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

જેમાં લાલ-દરવાજા, સુભાષ બ્રિજ, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર ઇનિંગ્સ શરૂ થઈ છે. અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે, ગોતા, સરખેજ અને બોડકદેવ વિસ્તારમાં વરસાદ ખાબકયો હતો. વરસાદની એન્ટ્રી થતા સ્થાનિકો વરસાદની મજા માળવા માટે રસ્તા પર જોવા મળ્યા હતા. વરસાદ આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

You might also like