અમદાવાદ આવતી-જતી ફ્લાઈટ અડધાથી એક કલાક મોડી

અમદાવાદ: રાજ્યભરમાં પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનના કારણે આજે પણ સવારે અમદાવાદથી દિલ્હી, મુંબઈ અને કોલકાતા જતી ફલાઈટના શેડ્યૂલ ખોરવાયા હતા. સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીની ફલાઈટ તેના નિયત સમય કરતાં મોડી ઉપડી હતી. સાથે-સાથે મુંબઈથી અમદાવાદ આવતી એર ઈન્ડિયા, એર કેનેડા અને ઈથોપિયન ફલાઈટ પણ મોડી આવી હતી.

મુંબઈ-દિલ્હીથી આવતી અને જતી ફલાઈટના શેડ્યૂલ અડધાથી એક કલાક સુધી મોડા થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે અમદાવાદ એરપોર્ટ પર વરસાદી પાણી ભરાવા ઉપરાંત ખાડો પડી જતાં ૧૨ વાગ્યા પછી ઉપડતી ગોવા-દિલ્હી અને મુંબઈની ફલાઈટ ૪ કલાક મોડી પડી હતી, જેના કારણે એરપોર્ટના સીટિંગ એરિયામાં લોકોને ઊભાં રહેવું પડ્યું હતું. આજે સવારથી જ ખરાબ હવામાનના પગલે મુંબઈ-દિલ્હી જતી ફલાઈટ મોડી છે. દિવસ દરમિયાન હજુ પણ વાતાવરણમાં ફેરફારના પગલે તે મોડી થઈ શકે છે.

ગરીબરથ ટ્રેન, રાણકપુર એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ આવતી સફર એક્સપ્રેસ ટ્રેન અડધાથી એક કલાક સુધી અમદાવાદ સ્ટેશને મોડી આવી હતી. પાલનપુર ટ્રેક પરના વરસાદી પાણીના ધોવાણ પછી રિપેરિંગ બાદ દિલ્હી તરફનો ટ્રેન વ્યવહાર નિયમિત બન્યો છે.

સ્પાઇસ જેટ દિલ્હી, જેટ એરવેઝ મુંબઇ, ઇતિહાદ એરવેઝ મુંબઇ, એર ઇન્ડિયા દિલ્હી, જેટ લાઇટ દિલ્હી, જેટ એરવેઝ દિલ્હી, એર ઇન્ડિયા મુંબઇ, ઇન્ડિગો મુંબઇ, ઇન્ડિગો બેંગલુરુ ફલાઇટ અમદાવાદ એરપોર્ટથી મોડી ઉપડી હતી.
http://sambhaavnews.com/

You might also like