1લી નવેમ્બરથી 700 ટ્રેનોની ઝડપ વધશે, 48 ટ્રેન બનશે સુપરફાસ્ટઃ પીયૂષ ગોયલ

રેલવે મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે કહ્યું હતું કે, રેલવે પોતાની સેવાઓ વધુ આકર્ષક અને ઝડપી બનાવશે. 1લી નવેમ્બર 2017થી લગભગ 700 ટ્રેનોની ઝડપ વધારવામાં આવશે.

રેલવે મંત્રી પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યું કે, ‘આ પ્રસ્તાવથી 48 મેલ એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટ શ્રેણીમાં મૂકી શકાશે. શુક્રવારથી 100 નવી રેલવે સેવાનો આરંભ થશે. જેમાં 100 સેવાઓમાંથી 32 નવી સેવા પશ્ચિમ રેલવેમાં અને 68 સેવાઓ મધ્ય રેલવેમાં શરૂ કરવામાં આવશે. આ નવી સેવા શરૂ કરવાથી 77 લાખ લોકોને ફાયદો થશે.’

તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘રેલવેના ફ્લેક્સી ભાડા યોજનામાં પણ ફેરફાર કરવામાં આવશે, જેના કારણે મુસાફરો પર કર લાદયા વગર કમાણી કરી શકાય. આ યોજનાથી રેલવેને એક વર્ષની અંદર 540 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી થઈ છે.’

મંત્રીએ વાત આગળ વધારતા કહ્યું હતું કે, ‘બધા સ્ટેશનો અને ટ્રેનમાં ઝડપી વાઈ ફાઈ કનેક્ટ કરવામા આવશે. રેલવેની સેવામાં પારદર્શિતા લાવવા માટે રેલવે સુરક્ષા દળ અને ટીટીઈને ડ્યૂટી પર યુનિફોર્મમાં રહેવાનું ફરજિયાત કરવામાં આવશે. આરપીએફ રેલવે ટિકીટની તપાસ કરી શકશે નહીં.’

You might also like