રેલ અકસ્માતમાં મૃતકોનાં સ્વજનો, ઈજાગ્રસ્તોને બમણું વળતર મળશે

નવી દિલ્હી: ભારતીય રેલવેએ લગભગ ૧૯ વર્ષ બાદ રેલવે અકસ્માતોનો ભોગ બનેલા લોકો માટે વળતર બમણું કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારો અને અકસ્માતના ઇજાગ્રસ્તોને આપવામાં આવનાર વળતર હવે બમણું થઇ જશે. રેલવેએ નવેમ્બરમાં કાનપુરમાં થયેલી મોટી દુર્ઘટના બાદ આ નિર્ણય લીધો છે. આ દુુર્ઘટનામાં ૧૪૩ રેલ પ્રવાસીઓનાં મોત થયાં હતાં.

અકસ્માતગ્રસ્તો માટે વળતર બમણું કરવાના નિર્ણયનો અમલ
૧ જાન્યુઆરી, ર૦૧૭થી કરવામાં આવશે. આ નિર્ણય બાદ રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યકિતના પરિવારને રૂ.ચાર લાખની સામે હવે રૂ.આઠ લાખનું વળતર મળશે. રેલવે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થનાર વ્યક્તિ કે જેમણે પોતાનો હાથ, પગ કે આંખ ગુમાવ્યાં હોય અથવા તો ગંભીર ઇજા પહોંચી હશે તો તેને પણ રૂ.આઠ લાખનું વળતર મળશે. અત્યાર સુધી ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને રૂ.ચાર લાખ આપવામાં આવતા હતા. આ ઉપરાંત ૩૪ પ્રકારની નિર્દિષ્ટ ઇજાઓ માટે રેલવે હવે રૂ.૭.ર લાખનું વળતર આપશે. આ અગાઉ આવી ઇજાઓ માટે રૂ.૬૪,૦૦૦નું વળતર આપવામાં આવતું હતું.

રેલવે મંત્રાલયેે રેલ અકસ્માતના વળતરમાં થનારા ફેરફારની જાહેરાત ગુરુવારે કરી હતી. રેલવેએ અકસ્માતગ્રસ્તો માટે આપવામાં આવતા વળતરમાં આ અગાઉ ૧૯૯૭માં સુધારો કર્યો હતો. દિલ્હી હાઇકોર્ટે ર૦૧પમાં રેલવે અકસ્માતના પીડિતોને આપવામાં આવતા વળતર સામે સવાલ ઉઠાવ્યો હતો. અદાલતના આદેશ બાદ રેલવેતંત્ર અકસ્માતગ્રસ્તો માટેના વળતરને વધારવા જાગૃત બન્યું હતું.
http://sambhaavnews.com/

You might also like