રેલવેની નવી સુવિધા, માત્ર બે રૂપિયામાં 10 લાખનો વીમો

નવી દિલ્હીઃ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે બે રૂપિયામાં 10 લાખના વીમાની સુવિધા રેલવે દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. રેલવેની કંપની આઇઆરસીટીસીએ વીમા સુવિધા માટે ત્રણ પ્રાઇવેટ કંપનીઓ સાથે હાથ મિલાવ્યો છે. ત્રણયેની પસંદગી ટેન્ડર દ્વારા કરવામાં આવશે. આ કંપનીઓ બે રૂપિયા પ્રતિ ટ્રિપના આધારે પેન્સેજરોને દસ લાખ સુધીનો વીમો કવર કરી આપશે. આ સિવાય મુસાફરી દરમ્યાન દૂર્ઘટનામાં કોઇ પેસેન્જર વિકલાંગ થાય તો તેવી પરિસ્થિતિમાં તેને સાડા સાત લાખ રૂપિયાનું કવર આપવામાં આવશે.

આગામી એક મહિનામાં આ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ માહિતી આપતા આઇઆરટીસીના પ્રબંધ નિર્દેશક એ.કે. મનોચાએ જણાવ્યું છે કે જલ્દી આ સુવિધાનું ઉદ્ધાટન થશે. તેમણે જણાવ્યું છે કે હાલ આ સુવિધા ઓનલાઇન રિઝર્વ ટિકિટ લેનાર પેસેન્જરો માટે ઉપલબ્ધ થશે. જેના માટે પેસેન્જરે ટિકિટ બુક કરાવતી વખતે વીમાની કોલમમાં પોતાની સહમતી આપવી પડશે. ત્યાર બાદ પેસેન્જરની ટિકિટની રકમમાં જ વીમાની રકમ જોડવામાં આવશે.
આ રીતે પેસેન્જર વીમા કવરના હિસ્સેદાર બની શકે છે. તેમણે જણાવ્યું છે કે જો આ પ્રયોગ સફળ રહેશે તો આ સુવિધા કાઉન્ટર ટિકિટ રિઝર્વ કરનાર મુસાફરોને પણ આપવામાં આવશે. ત્યાર બાદ ત્રીજા તબક્કામાં અનરિઝર્વ ટિકિટ લેનાર મુસાફરોને પણ આ સુવિધા આપવાનો વિચાર છે. રેલવેમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યા વધારે છે ત્યારે વીમા કંપનીઓ ઓછી કિંમતે વીમાનું કવર આપવા તૈયાર છે.

You might also like