ટિકિટ ચેકરની સતર્કતાથી ઘરેથી ભાગેલી વિદ્યાર્થિની મળી અાવી

અમદાવાદ: આપણે દરરોજ હજારો વ્યક્તિઓને જોતાં હોઇએ છીએ અને અમુક વ્યક્તિ સાથે વાતચીત કરીએ, તે વ્યક્તિને જો બે-ત્રણ દિવસ પછી ફોટા પરથી ઓળખી બતાવવાનું કોઇ કહે તો ભાગ્યે જ ઓળખી શકાય છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા એક ટિકિટ ચેકરની યાદશક્તિ અને સૂઝબૂઝથી બેંગલોર પોતાના ઘરેથી નીકળી ગયેલી સગીરા તેનાં માતા-પિતાને હેમખેમ પરત મળી હતી.

બેંગલુરુના રાજાજીનગરમાં આવેલી નેશનલ પબ્લિક સ્કૂલમાં ધો.૭માં અભ્યાસ કરતી એક સગીરા ગણિત વિષયમાં ઓછા માર્ક્સ આવવાના કારણે પોતાના ઘરેથી ર૪ ઓગસ્ટના રોજ સ્કૂલે જતી વખતે સ્કૂલની પ્રવૃત્તિમાં રૂ.૬૦૦ આપવાના છે તેમ કહી પૈસા લઇ નીકળી ગઇ હતી. સગીરા સ્કૂલથી સીધી રેલવે સ્ટેશન ગઇ હતી. મૈસૂર-અરસીકર નામની ટ્રેનમાં બેસી મુંબઇ અને ત્યાંથી અમદાવાદ આવી હતી.

અમદાવાદ આવ્યા બાદ તેને પોતાના ઘરે પરત ફરવાની ઇચ્છતા થતાં તે સગીરાએ અમદાવાદથી બેંગલોરની ટિકિટ લીધી હતી. સગીરાએ જે ટ્રેનની ટિકિટ લીધી હતી તે છૂટી જતાં તેણીએ રેલવે સ્ટેશન પર ઊભેલા ટિકિટ ચેકર અમિતકુમાર ઝાને બેંગલોર જવાની ટ્રેન ક્યાંથી મળશે તેમ પૂછ્યું હતું, જેથી અમિતકુમારે તેને મુંબઇના દાદર જવા અને ત્યાંથી સાઉથ જતી ટ્રેનમાં બેસવા જણાવ્યું હતું અને સગીરા ત્યાંથી ટ્રેનમાં જવા નીકળી હતી.

બે દિવસ બાદ અમિતકુમાર રેલવે સ્ટેશન પર ફરજ પર હાજર હતા ત્યારે એક વ્યક્તિ તેમને મળી હતી અને એક સગીરાનો ફોટો બતાવી તેઓએ આ છોકરીને ક્યાંય જોઇ છે તેમ પૂછ્યું. ફોટો જોતાં જ અમિતકુમાર સગીરાને ઓળખી ગયા હતા.

છોકરી ગુમ થઇ હોવાની બેંગલોર પોલીસમાં પણ ફરિયાદ નોંધાવાઇ હોઇ અમિતકુમાર તાત્કા‌િલક યુવકને લઇ ગુજરાત રેલવે પોલીસ અને આરપીએફ પાસે ગયા હતા. રેલવે સ્ટેશનમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં સગીરા મુંબઇ તરફની ટ્રેનમાં જતી જણાઇ હતી, એથી આ અંગે તાત્કાલિક મુંબઇ રેલવે પોલીસને જાણ કરાતાં સગીરા મુંબઇના દાદરથી મળી આવી હતી. અમિતકુમારની યાદશક્તિ અને સૂઝબૂઝના કારણે એક સગીરાનો તેનાં મા-બાપ સાથે મિલાપ થયો હતો.

You might also like