રેલવેએ ૨૦૧૬-૧૭માં ટિકિટ કેન્સેલેશન દ્વારા રૂ. ૧૪૦૦ કરોડની કમાણી કરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે રેલવેમાં ટિકિટ કેન્સલ થવાને કારણે ૨૦૧૬-૧૭માં રેલવેને કુલ રૂ. ૧૪૦૦ કરોડની આવક થઈ છે. ટિકિટ કેન્સેલેશન દ્વારા રેલવેની આ આવક છેલ્લા નાણાકીય વર્ષની તુલનાએ ૨૫ ટકા વધારો થયો છે. નવેમ્બર ૨૦૧૫થી ટિકિટ કેન્સલ કરાવવાના ચાર્જ બમણા કર્યા બાદ રેલવેને કેન્સલ કરવામાં આવતી ટિકિટ દ્વારા થતી આવક સતત વધી રહી છે.

રેલવેના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન રાજેન ગોહેને આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં એવી જાણકારી આપી હતી કે છેલ્લા નાણાકીય વર્ષની તુલનાએ ૨૦૧૬-૧૭માં ટિકિટ કેન્સલ કરાવવાથી થયેલી આવકમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ટિકિટ કેન્સલ કરાવવા માટે કેન્સેલેશન ચાર્જ રેલ ભાડાંના રિફંડના નિયમો અનુસાર વસૂલ કરવામાં આવે છે.

રેલવેમાં રિઝર્વ્ડ ટિકિટને કેન્સલ કરવાના બદલામાં વસૂલાતા ચાર્જ દ્વારા રેલવેની આવક નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૧૪.૦૭ અબજને પહોંચી ગઈ છે, જે ગયા વર્ષની તુલનાએ ૨૫.૨૯ ટકા વધુ છે. થોડા સમય પહેલાં એક આરટીઆઈ અરજી દ્વારા પણ આ જાણકારી રેલવે પાસેથી માગવામાં આવી હતી અને ત્યાર બાદ રેલવે માહિતી પ્રણાલી કેન્દ્ર (સીઆરઆઈએસ) દ્વારા આ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ટિકિટ રદ થવાના બદલામાં રેલવેને ૧૧.૨૩ અબજની કમાણી થઈ હતી. તેના અગાઉના વર્ષ ૨૦૧૪-૧૫માં ૯.૦૮ અબજ અને ૨૦૧૩-૧૪માં ૯.૩૮ અબજ રૂપિયાની આવક રેલવેને ટિકિટ કેન્સેલેશન દ્વારા થઈ હતી.

You might also like