રેલવે ટિકિટના કાળાબજાર કરવાનું નેટવર્ક ઝડપાયુંઃ દંપતીની ધરપકડ

અમદાવાદ: પશ્ચિમ રેલવેની ટિકિટોનું કાળા બજાર કરવાના નેટવર્કને રેલવે પોલીસે નવસારીમાંથી ઝડપી લઇ ટિકિટના કાળાબજાર કરનાર દંપતીની ધરપકડ કરી આશરે રૂ.ત્રણ લાખની રેલવે ટિકિટો કબજે કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે પશ્ચિમ રેલવેની ટિકિટોનું મોટા પાયે કાળાબજાર કરવામાં આવી રહ્યું હોવાની રેલવે પોલીસને બાતમી મળતાં છેલ્લા કેટલાક વખતથી વોચ ગોઠવી હતી. રેલવે ટિકિટોનું કાળાબજાર કરનાર ટોળકીએ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં તેમનું નેટવર્ક ગોઠવી ટિકિટોનું કાળાબજાર કરી મોટી કમાણી કરતી હતી.

રેલવે પોલીસે ચોક્કસ બાતમીના આધારે સુરતના પાન્ડેસરા વિસ્તારમાં આવેલ એક મકાન પર છાપો મારી પરસોત્તમ પ્રધાન અને તેની પત્ની વિજ્યાલક્ષ્મીની અટકાયત કરી ઝીણવટભરી પૂછપરછ કરતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન આ દંપતીએ પોતાના એજન્ટો જુદા જુદા શહેરોના રેલવે સ્ટેશનો પર ગોઠવી ટિકિટના કાળા બજારનું નેટવર્ક ચલાવ્યું હોવાની કબૂલાત કરી હતી.

તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર પ્રવીણ મરાઠી અને સુનીલ ભૈયા હોવાનું પણ જાણવા મળતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસના અંતે રેલવે ટિકિટના કાળાબજારનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શકયતા છે.

You might also like