હવે રેલવે સ્ટેશન પર વેન્ડિંગ મશીનથી મનપસંદ ભોજન મળશે

નવી દિલ્હી: આગામી દિવસોમાં રેલવેના મુસાફરોને પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા વેન્ડિંગ મશીનમાંથી મનપસંદ ભોજન મળી રહેશે. પાઈલટ પ્રોજેકટ હેઠળ શરૂઆતમાં નવી દિલ્હી, વારાણસી સહિત કેટલાંક મુખ્ય સ્ટેશન પર આ મશીન લગાવવામાં આવશે. શરૂઆતમાં તેમાંથી ખાણીપીણીની પાંચથી છ ચીજ મળી રહેશે. આ પ્રયોગ સફળ થશે તો મશીનની સંખ્યા સાથે ખાણીપીણીની ચીજમાં પણ વધારો કરવામાં આવશે.

રેલવેના મુસાફરોને વધુ સારી સુવિધા આપવાના હેતુથી ઓનલાઈન કેટ‌િરંગ સેવા બાદ હવે તંત્ર દ્વારા આગામી દિવસોમાં વેન્ડિંગ મશીનની સેવા શરૂ કરવાની હાલ તૈયારી ચાલી રહી છે. ભારતીય રેલવે ખાણીપીણી અને પર્યટન નિગમ (આઈઆરસીટીસી)ના માધ્યમથી આ પ્રકારનાં મશીન લગાવવાની યોજના છે. તેનો મુખ્ય હેતુ યાત્રિકોને ગુણવત્તાયુકત ભોજન આપવાનો છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રકારના મશીન લગાવવાથી યાત્રિકોને સ્વચ્છ ભોજન મળી રહેશે તેમજ આ ભોજનની કોઈ ચીજ ૫૦ રૂપિયાથી મોંઘી ન મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈઆરસીટીસીઅે લગભગ દોઢ વર્ષ પહેલાં ઈ-કેટ‌િરંગની સેવા શરૂ કરી હતી. તેનું નામ ફૂડ ઓન ટ્રેક રાખવામાં આવ્યુ છે. આ સ્કીમમાં લોકો તેમની સીટ પર ભોજન મંગાવી શકે છે. હાલ લગભગ ૧૫૦૦ ટ્રેનમાં આવી સુવિધા મળે છેકે જેમાં પેન્ટી કાર નથી.

આ ઉપરાંત નવી દિલ્હી, જૂની દિલ્હી, હજરત નિઝામુદીન, આનંદવિહાર સહિત દેશના ૪૫ સ્ટેશન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે. તેનાથી આ સ્ટેશન પરથી પસાર થનારી કોઈ પણ ટ્રેનના મુસાફર ભોજન મંગાવી શકે છે. આ સુવિધાનો વ્યાપ ૪૦૦ સ્ટેશન સુધી વિસ્તારવાની યોજના છે, જેમાં મુસાફરો અેસઅેમઅેસ, ટેલિફોન અથવા આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઓર્ડર બુક કરાવી શકે છે.

You might also like