કાગડા બધે કાળાઃ રેલવે સ્ટેશનના પે એન્ડ પાર્કમાં પણ ઉઘાડી લૂંટ

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો અને તેમને મૂકવા આવતા સંબંધીઓનાં વાહનોના પાર્કિંગ માટે પશ્ચિમ રેલવે દ્વારા ચાર જગ્યાએ પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. રેલવેતંત્ર દ્વારા કોન્ટ્રાકટરને વાહન પાર્કિંગ માટે ચાર્જ નક્કી કરીને આપવામાં આવ્યા છે છતાં કોન્ટ્રાકટરો વાહનચાલકો પાસેથી મન ફાવે તેટલી રકમ ઉઘરાવી રહ્યા છે. જીએસટી લાગુ થયા બાદ પાર્કિંગના ચાર્જ બદલાયા હોવા છતાં જૂની રસીદ વાહનચાલકોને આપવામાં આવે છે અને પૈસા ઉઘરાવાય છે. કોન્ટ્રાકટ આપ્યા બાદ રેલવેતંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતાં પાર્કિંગના કોન્ટ્રાક્ટર બેફામ રીતે વાહનચાલકોને લૂંટી રહ્યા છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર રોજના હજારો મુસાફરોની અવરજવર હોય છે. મુસાફરો, તેમને મૂકવા આવતા સંબંધીઓ, ટેક્સી અને રિક્ષાનાં પાર્કિંગ માટે રેલવે તંત્ર દ્વારા સ્ટેશનની બહાર આર.એસ.કોર્પોરેશન, શંકર મલ્ટી સર્વિસ અને એસ.કે. ભટનાગર સહિતનાને ચાર જગ્યાએ પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. પે એન્ડ પાર્કિંગમાં કોન્ટ્રાકટર દ્વારા અનેક લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું છે. રેલવેએ પાર્કિંગ માટે નક્કી કરેલી રકમ કરતાં વધુ પૈસા કોન્ટ્રાકટર દ્વારા ઉઘરાવાય છે, કોમર્શિયલ વાહન પાર્કિંગ માટે કોન્ટ્રાકટ આપવા છતાં પાર્કિંગમાં ખાનગી વાહનો અને રિક્ષા પાર્કિંગ પણ કરાવી પૈસા લેવામાં આવે છે. જીએસટી લાગુ થયા પહેલાં રેલવેતંત્ર દ્વારા કોન્ટ્રાકટરને વાહનચાલકો પાસેથી
ટુ વ્હીલરના 4 કલાકના 17.25, 12 કલાક માટે 23.00 અને 24 કલાક માટે 46.00 રૂપિયા, ગાડીઓનાં 4 કલાકના પાર્કિંગ માટે 34.50 રૂપિયા પાર્કિંગ માટે ચાર્જ નક્કી કરીને આપવામાં આવ્યો હોવા છતાં કોન્ટ્રાકટર વાહનચાલકો પાસેથી નકકી કરેલી રકમ કરતાં વધુ રકમ ઉઘરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા અારનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપારી દીપુભાઈ દેસાઈ 16 જુલાઈના રોજ તેમના ભાઈને મૂકવા કાલુપુર રેલવે સ્ટેશન ગયા હતા. સ્ટેશન બહાર રેલવેના પે એન્ડ પાર્કિંગમાં તેઓએ તેમનું બાઈક પાર્ક કર્યું હતું. કોન્ટ્રાકટરના માણસો દ્વારા પાર્કિંગ માટે રૂ.17.25નો ભાવ છાપેલી રિસિપ્ટ આપીને પેનથી રૂ.20 લખીને 17.25ની જગ્યાએ 20 રૂપિયા ઉઘરાવ્યા હતા. 17.25ના 18 રૂપિયાની જગ્યાએ સીધા 20 રૂપિયા ઉઘરાવતાં તેઓએ કોન્ટ્રાકટરના માણસોને વધુ રૂપિયા કેમ લો છો તેમ કહેતાં 500 રૂપિયા થોડા માગીએ છીએ તેમ કહી રક્ઝક કરી હતી. આ અંગે દીપુભાઈએ રેલવે પ્રધાન સુરેશ પ્રભુને ટ્વિટ પણ કર્યું હતું.

ટ્વિટ બાદ દોડતા થયેલા રેલવેતંત્રએ તપાસ કરતાં પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરો દ્વારા જીએસટી લાગુ થયા પહેલાની રકમ વાળી રિસિપ્ટ આપીને પૈસા ઉઘરાવવામાં આવે છે.

રેલવે તંત્રના જણાવ્યા મુજબ જીએસટી લાગુ થયા બાદ 17.25ની જગ્યાએ 18 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે અને આ જ મુજબ ચાર્જ લેવા જણાવવામાં આવ્યું છે. 15 દિવસ પહેલાં જ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરોને નવા દર મુજબ પૈસા લેવાનું અને નવી રિસિપ્ટ આપવા જણાવ્યું છે.રેલવે પી.આર.ઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે પાર્કિંગના કોન્ટ્રાકરો દ્વારા જૂની રિસિપ્ટ આપીને પૈસા પડાવવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોને જીએસટી બાદના નવા રેટ મુજબ 18 રૂપિયા લેવા જાણ કરાઈ છે છતાં વધુ પૈસા લેવાતા આ બાબતે તપાસ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરના માણસોએ જણાવ્યું હતું કે તેઓ રેલવે નક્કી કરેલા ચાર્જ મુજબ જ પૈસા લે છે. 17.25 પૈસાનો ભાવ હોય તો 2 રૂપિયા છૂટા પરત આપીએ છીએ.

રેલવેના પે એન્ડ પાર્કિંગમાં કોન્ટ્રાકટર દ્વારા અનેક કૌભાંડો ચાલતાં હોવાં છતાં રેલવે તંત્ર કોઈ જ ધ્યાન આપતું નથી. કોમર્શિયલ વાહન પાર્કિંગમાં માત્ર ટેક્સી પાસિંગ વાહનો પાર્ક કરવા માટે કોન્ટ્રાકટ આપવા છતાં પાર્કિંગમાં ખાનગી વાહનો અને રિક્ષા પાર્કિંગ પણ કરાવી પૈસા લેવામાં આવે છે. જો કોઈ વાહન ચાલક પૈસા બાબતે કહે તો તેઓની સાથે રક્ઝક કરે છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેશનમાં અથવા તો બહાર મુસાફરોને તકલીફ ન પડે તેની જવાબદારી સ્ટેશન મેનેજરની હોય છે. રેલવે તંત્રની બેદરકારીના કારણે મુસાફરો અને ટ્રેનના સંબંધીઓને પાર્કિંગનો વધુ ચાર્જ ચૂકવવો પડે છે.
અનિરુદ્ધસિંહ મકવાણા
http://sambhaavnews.com/

You might also like