‘રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ બોમ્બ અને હથિયારો સાથે ઊતરશે’

અમદાવાદ: શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આજે સવારે એક નનામા ફોનને લઇ પોલીસ દોડતી થઇ ગઇ હતી. કોઇ વ્યક્તિએ ફોન કરી રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ બોમ્બ અને હથિયારો સાથે ઊતરવાની છે તેવું જણાવતાં તાત્કાલિક રેલવે પોલીસ, સ્થાનિક અને ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. કલાકો સુધી તપાસ બાદ કંઇ ન મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે, ‘રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ બોમ્બ અને હથિયારો સાથે ઊતરવાની છે.’ આ અંગે રેલવે પોલીસ, આરપીએફ, ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખી સવારે આવતી જતી તમામ ટ્રેનમાં ચેકિંગ શરૂ કર્યું હતું. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી તેમની પૂછપરછ કરી હતી.રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ બાદ પોલીસને કંઇ જ શંકાસ્પદ ન મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. નનામો ફોન કરનાર વ્યક્તિ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાંથી ટાઇમર બોમ્બ મળી આવતાં દોડધામ મચી ગઇ હતી, જે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ઉપરાંત રાજકોટમાંથી જ બે આઇએસઆઇના આતંકીઓ ઝડપાયા છે અને તેઓ દ્વારા ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં લોનવુલ્ફ એટેક કરવામાં આવનાર હતો, જેથી પોલીસે મેસેજને ગંભીરતાથી લઇ સમગ્ર રેલવે સ્ટેશન પર તપાસ શરૂ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like