રેલવેનું સ્વચ્છતા મિશનઃ ટ્રેનોમાં બાયો-ટોઈલેટ લગાવાશે

નવી દિલ્હીઃ હવે ભારતીય રેલવેમાં ટ્રેનોમાં લગાવાયેલાં ટોઈલેટ પણ સ્વચ્છ રહેશે. રેલવે ટ્રેક પર ટોઈલેટની ગંદકી પણ નહીં પડે. સ્ટેશન ઉપર સફાઈ થવાથી પ્લેટફોર્મ પર ઊભા રહેલા મુસાફરોને દુર્ગંધ પણ સહન નહીં કરવી પડે. રેલવેઅે સ્વચ્છતા મિશન હેઠળ અા વર્ષે ૫૦૦ કોચમાં બાયો ટોઈલેટ લગાવવાનું નક્કી કર્યું છે. તેમાં લગભગ ૩૦૦ બાયો ટોઈલેટ ગોરખપુર કારખાના અને ન્યૂ વોશિંગપીટમાં લગાવાશે.
પહેલા પ્રયોગ તરીકે ગોરખપુરમાં ટ્રેનોના કોચમાં બાયો ટોઈલેટ લગાવાયાં હતાં. સફળતા મળ્યા બાદ હવે તેનો વિસ્તાર વધી ચૂક્યો છે. ન્યૂ વોશિંગપીટમાં ૧૩૩ કોચમાં બાયો ટોઈલેટ લગાવી દીધાં છે. અા ઉપરાંત ૧૪૮ બાયો ટોઈલેટ મંગાવાયાં છે. જેને લગાવવાની તૈયારીઅો ચાલી રહી છે. અા પહેલા નવા ડબ્બાઅોમાં કપૂરથલા કોચ ફેક્ટરીમાંથી બાયો ટોઈલેટ લગાવવામાં અાવતાં હતાં. જૂના કોચમાં લખનૌ કારખાનામાં ફિટિંગ કરાતું હતું. નવી ટેકનિકથી બનાવેલા બાયો ટોઈલેટની ખાસિયત અે હશે કે મળ મૂત્ર કોચમાં લાગેલાં ટેન્કમાં જ પડશે. તેમાં એ પ્રકારના કીટાણુ નાખવામાં અાવશે જે મળ મૂત્રને ત્યાં જ ખતમ કરી દેશે. વરિષ્ઠ કોચિંગ ડેપો અધિકારી ડી કે તિવારીઅે જણાવ્યું કે અેવી કોશિશ ચાલી રહી છે કે લક્ષ્ય મુજબ બાયો ટોઈલેટ નિયત સમય મર્યાદામાં લગાવવામાં અાવે. સ્થાનિક સ્તર પર વ્યવસ્થા શરૂ થવાથી કામમાં ઝડપ પણ અાવશે.

You might also like