રાહુલે લીધી શકૂરની મુલાકાત : કેજરીવાલે ગણાવી બાલીશ હરકતો

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં શકૂર વિસ્તારમાં દબાણ હટાવવાનાં મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. આજે કોંગ્રેસી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દે સદનમાં ઘરણા કર્યા હતા. રાહુલે પીડીતોને કહ્યું કે હવે પછી જ્યારે પણ ઝુંપડાઓ તોડવા માટે આવે તો તમે લોકો મને ફોન કરો, હું એક પણ ઝુંપડુ તુટવા નહી દઉ. પીડીતો સાથે મુલાકાત બાદ રાહુલે કહ્યું કે મારા ઘરનાં દરવાજાઓ સદાય તમારા માટે ખુલ્લા છે. જો કોઇની ઝુંપડી તોડવામાં આવે તો તે મારા ઘરે આવી શકે છે, હું તમારી સાથે ઉભો રહીશ. રાહુલે કહ્યું કે દિલ્હીમાં આપની સરકાર છે એવામાં તેમનાં નેતાઓ પ્રદર્શન શા માટે કરી રહ્યા છે. તેનાં જવાબમાં કેજરીવાલે કહ્યું કે રાહુલ ગાંધી હજી બાળક છે. તેમની પાર્ટીએ તેમને જણાવ્યું નથી કે રેલ્વે કેન્દ્ર સરકારનાં અંતર્ગત આવે છે, દિલ્હી સરકાર તેમાં કાઇ કરી શકે નહી.
રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ આ આજે સંસદમાં વક્તવ્ય આપતા કહ્યું કે ઝુંપડીઓ હટાવવાની કાર્યવાહી પહેલા જ બાળકનું મોત નિપજ્યું હતું. સતત કેટલીયવાર ઝુંપડીઓ હટાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી. પરંતુ લોકો ત્યાંથી હટી નહોતા રહ્યા. એવામાં દબાણને સુરક્ષીત રીતે હટાવવામાં આવ્યું. તેમણે કહ્યું કે તે આ મુદ્દે અરવિંદ કેજરીવાલને આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રીત કરે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રેલ્વે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં 500થી વધારે ઝુંપડીઓને તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એક બાળકીનું મોત નિપજ્યું હતું. રેલ્વે દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે દબાણ હટાવતા પહેલા જ આ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે તેનાં પરિવારનો દાવો હતો કે આ બાળકીનું મોત દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયું હતું.
દિલ્હીનાં મુખ્યમંત્રી અવિંદ કેજરીવાલે જો કે આ મુદ્દે રેલ્વેની નિંદા કરી હતી. પીડિત વ્યક્તિઓની મદદ નહી કરવાનાં આરોપમાં બે એસડીએણ સહિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે તેમણે આ રેલવેની કાર્યવાહી મુદ્દે રેલ્વેમંત્રી સુરેશ પ્રભુ સાથે પણ વાતચીત કરી હતી પરંતુ પ્રભુએ કહ્યું કે તેમને આ કાર્યવાહીની જાણ નથી.

You might also like