સારંગપુર રેલવે અોવરબ્રિજનું ૪.૪૫ કરોડનું ટેન્ડર ના મંજૂર

અમદાવાદ: કોર્પોરેશનના મધ્ય ઝોનમાં આવેલા સારંગપુર રેલવે ઓવરબ્રિજના વિશેષ પ્રકારના રેસ્ટોરેટિવ રિપેરિંગના ટેન્ડરનો વિવાદ સર્જાયો છે. આ ટેન્ડરની અડધી-અધૂરી માહિતીથી ભાજપના શાસકો તંત્રના સંબંધિત અધિકારીઓ પર ખફા થયા છે.

તંત્રના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સારંગપુર રેલવે ઓવરબ્રિજના વિશેષ પ્રકારના રેસ્ટોરેટિવ રિપેરિંગના કામ માટે પ્રસિદ્ધ કરેલા ટેન્ડરમાં સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટર રોયલ ઇન્ફ્રા એન્જિનિયરીંગના રૂ.૪.૪પ કરોડના ટેન્ડરને તાજેતરમાં મળેલી રોડ-બિલ્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂક્યું હતું, પરંતુ આ ટેન્ડરને ચેરમેન જતીન પટેલે મંજૂરી આપી નથી. આ અંગે ચેરમેનને પૂછતાં તેઓ કહે છે, સમગ્ર ટેન્ડર અંગે વિભાગ દ્વારા ફક્ત બે પાનાંની સંક્ષિપ્ત માહિતી દરખાસ્તમાં મુકાઇ છે. મારો આગ્રહ વિસ્તૃત માહિતીનો છે. ટેન્ડરની રકમ પણ વધુ લાગે છે. બીજી તરફ સંબંધિત અધિકારીઓ કહે છે, ‘સારંગપુર રેલવે ઓવરબ્રિજમાં રટેઇનિંગ વોલ ન હોઇ તેવી કિંમત વધારે છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના નવા રેલવે ઓવરબ્રિજ પૈકી કાળુપુર અને અસારવા રેલવે ઓવરબ્રિજનું રિપેરિંગ કામ એકસાથે ઓક્ટોબર-ર૦૧પમાં હાથ ધરાયું હતું કે જે નવેમ્બર-ર૦૧૬માં પૂર્ણ કરાયું. આ બન્ને રેલવે ઓવરબ્રિજ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.૧.પ૬ કરોડ ખર્ચાયા હતા. કાળુપુર અને અસારવા રેલવે ઓવરબ્રિજ પાછળ રટેઇ‌િનંગ વોલ હોઇ ઓછો થઇ ખર્ચ થયો હોવાનો તંત્રનો દાવો છે.

દરમ્યાન ચામુંડા રેલવે ઓવરબ્રિજના રિપેરિંગના ટેન્ડર ખૂલી ગયાં છે અને ખોખરા રેલવે ઓવરબ્રિજના રિપેરિંગના ખર્ચનો અભ્યાસ હાથ ધરાયો હોવાનું રોડ પ્રોજેકટ વિભાગનાં સૂત્રો કહે છે.
http://sambhaavnews.com/

You might also like