રેલવેની નવી પહેલઃ મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ‘સલૂન’ બુક કરાવી શકાશે

નવી દિલ્હી: ભારતીય રેલવે સતત નવા પ્રયાસો કરી રહી છે, જેનાથી પ્રવાસીઓને સુવિધાજનક સફર સાથે સ્પેશિયલ ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી શકાય. આ સંદર્ભમાં હવે મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં સ્પેશિયલ પ્રવાસની સાથે-સાથે સલૂનની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. આ વ્યવસ્થા એવા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ બનશે, જેઓ વધુ ખર્ચ કરીને આરામથી પોતાના ડે‌િસ્ટનેશન સુધી પહોંચવા ઈચ્છતા હોય.

સલૂન એક એવા પ્રકારનો રેલવે કોચ હોય છે, જેમાં એક ડ્રોઈંગરૂમ/ડાઈનિંગરૂમ, બે બેડરૂમ, બે બાથરૂમ, એક સર્વન્ટરૂમ અને એક રસોડું હોય છે. ઓછા ભાડા ધરાવતી વિમાની સેવાઓ સાથે સ્પર્ધા કરવા માટે રેલવે હવે પોતાની આવક વધારવા કેટલાક નવતર પ્રયોગો કરવા જઈ રહી છે.

જોકે આ માટે ૧૮ પ્રવાસીઓના ફર્સ્ટ ક્લાસ ભાડા જેટલી ટિકિટ ચૂકવવી પડશે
સલૂનનો ઉપયોગ સામાન્ય રીતે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઈન્સ્પેકશન દરમિયાન કરતા હોય છે. એક સલૂનમાં છ રેલવે પ્રવાસીઓ આરામથી સફર કરી શકે છે, પરંતુ આ માટે પ્રવાસીને કુલ ૧૮ પ્રવાસીઓના ફર્સ્ટ ક્લાસ ભાડા જેટલી રકમ સલૂનના ભાડા તરીકે ચૂકવવી પડે છે.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવે કોઈ પણ પ્રવાસી સલૂન બુક કરાવી શકશે. પ્રવાસીઓની માગણી પર મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં આ વધારાનો કોચ જોડવામાં આવશે, જે માટે રેલ પ્રવાસીઓએ નક્કી કરેલા દરે ભાડું ચૂકવવાનું રહેશે, જોકે રાજધાની, દુરંતો, શતાબ્દી અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનમાં સલૂનની વ્યવસ્થા ઉપલબ્ધ નહીં હોય.

You might also like