૧ જુલાઈથી રેલવે વેઈટિંગ રૂમ અને કૂલીના ચાર્જ વધશે

અમદાવાદ: વેસ્ટર્ન રેલવે દ્વારા ૧ જુલાઈથી રેલવે કૂલી અને વેઈટિંગ રૂમના ચાર્જમાં વધારો થશે, જે વેસ્ટર્ન રેલવેનાં તમામ રેલવે સ્ટેશનો પર અમલી થશે. રેલવે કૂલી દ્વારા પેસેન્જરનો સામાન માથા પર લઈ જતા કૂલી હવે ૪૦ કિલોના લગેજ ઉપર રૂ.૫૦નો ચાર્જ લેશેે. અત્યાર સુધી રૂ.૩૦થી ૪૦ વચ્ચે લેવાતો ચાર્જ ૧ જુલાઈથી રેલ પ્રવાસીએ પ્રતિ ૪૦ કિલો સામાનદીઠ ચૂકવવો પડશે, જેમાં એ કક્ષાનાં રેલવે સ્ટેશન પર રૂ.૪૫, એ-વન કક્ષાનાં રેલવે સ્ટેશન માટે રૂ.પ૦ અને બી તેમજ સી કક્ષાનાં ઉપરાંત અન્ય તમામ સ્ટેશનો પર રૂ.૪૦નો ચાર્જ કુલીને ચૂકવવાનો થશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર લગેજ ઉપાડવાની હાથલારી હોય છે, તેના પર ૧૬૦ કિલો વજન ભરવા પર રૂ.૮૦ પ્રતિટ્રીપ વસૂલવામાં આવશે.

અશક્ત, વૃદ્ધ, વિકલાંગ વ્યક્તિને વ્હીલચેર પર લઈ જવાનો ચાર્જ રૂ.૮૦ અને ચાર વ્યક્તિ આવી વ્યક્તિને ઊંચકીને લઈ જશે તો ચાર્જ રૂ.૧૩૦ વસૂલાશે.

એક પ્લેટફોર્મથી બીજા કે ત્રીજા પ્લેટફોર્મ પર લગેજ લઈ જવાનો ચાર્જ રૂ.૫૦ લાગશે. વેઈટિંગ રૂમમાં રહેવાનો ચાર્જ પણ વધ્યો છે. વેઈટિંગ રૂમ ચાર્જ ૩૦ મિનિટ પછી દર અડધા કલાકે રૂ.૫૦ એ-વન ક્લાસ અને રૂ.૪૫ બી-સી કલાસ માટે વસૂલાશે તેમજ અન્ય સ્ટેશને રૂ.૪૦ વસૂલવામાં આવશે. સરેરાશ ૨૦ ટકાનો ભાવવધારો રેલ પ્રવાસીને ૧ જુલાઈથી ભોગવવો પડશે.

You might also like