રેલવેને એક વર્ષે જ્ઞાન લાદ્યું કે ફાટક જ ખોટી જગ્યાઅે લગાવ્યાં હતાં!

અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં અાવેલા વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસેના બુટભવાની ફાટકને પહોળું બનાવવા માટે છેવટે રેલવેતંત્ર દ્વારા ડબલ ફાટક મૂકી દેવાયાં હતાં, પરંતુ બુટભવાનીથી અાનંદનગર તરફ જતાં ટ્રાફિકને ફાટક ખૂલતાંની સાથે સામેની નિરાલી એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડ વોલ નડતરરૂપ થઈ શકે તેમ હોવાથી હવે રેલવે તંત્ર દ્વારા અા ફાટકને 15 ફૂટ રેલવે સ્ટેશન તરફ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં અાવી રહી છે, જોકે અા ફાટક બનાવવા માટે પણ અગાઉ રેલવેતંત્ર અને એએમસીના તંત્ર વચ્ચેનો ગજગ્રાહ બહાર અાવ્યો હતો, જેના કારણે અા ફાટક પહોળું કરવા માટેની કામગીરીમાં ભારે વિલંબ થયો હતો અને મૂળ ડિઝાઈન કરતા અલગ જગ્યાઅે ફાટક મૂકવામાં અાવ્યા હતા. જેના કારણે અાખરે પ્રજાને જ હેરાનગ‌િતનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવેના અણઘડ વહીવટના કારણે અા ફાટકને દૂર ખસેડવામાં પણ પ્રજાના પૈસાનું પાણી થવાનું છે. અાઠ વર્ષ બાદ હવે ફાટક પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

શહેરના વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે વેજલપુરથી અાનંદનગર તરફ જવાના રોડ ઉપર બુટભવાની ફાટક તરીકે અોળખાતા ફાટકને ઘણા લાંબા સમયથી પહોળું કરવાની માગણી ઊઠવા પામેલી છે. અા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા રેલવેતંત્રની સાથે મળીને અા ફાટકને પહોળું કરવા માટે વર્ષ 2007થી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જોકે યેનકેન કારણસર અા ફાટકને પહોળું બનાવવા માટેની કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો હતો. છેવટે વર્ષ 2014ના અંતમાં રેલવેતંત્ર દ્વારા અા ફાટક ઉપર તેમજ તેની બાજુની સાઈડમાં 15-15 ફૂટના બે ઈલેક્ટ્રોનિક્સ ફાટક મૂકવામાં અાવ્યા હતા. ત્યાર બાદ પૈસાની ચૂકવણી અને રોડ બનાવવાના મામલે રેલવે અને એએમસી વચ્ચે ગજગ્રાહ થયો હતો, જેના કારણે અા ફાટક શરૂ કરવાની કાર્યવાહીમાં વિલંબ થયો હતો.

દરમિયાનમાં છેલ્લા બે દિવસથી રેલવેતંત્ર દ્વારા અા ફાટક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં અાવી છે. અા કામગીરી અંતર્ગત હવે અા ઈલેક્ટ્રોનિકસ ફાટકને હવે 15 ફૂટ રેલવે સ્ટેશન તરફ અંદરની સાઈડમાં ખસેડવામાં અાવી રહ્યું છે.

અા અંગે સૂત્રોના જણાવ્યા મુજબ વેજલપુર તરફથી અાવતા ટ્રાફિકને ફાટક ખૂલતાંની સાથે સામેના ભાગે અાવેલી સોસાયટીની કમ્પાઉન્ડ વોલ નડતરરૂપ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું હતું, જેના કારણે રેલવે અને એએમસીના તંત્ર દ્વારા અા નવા મુકાયેલા ઈલેક્ટ્રોનિક્સ ફાટકને ખસેડવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

રેલવે અને એએમસીના અ‌િધ‍કારીઅોની હુંસાતુંસી અને બેદરકારીના કારણે હાલના સ્થાને ઈલેક્ટ્રોનિક્સ ફાટક બનાવી દેવાયા હતા ત્યારે રેલવે કરતાં એએમસીના અ‌િધ‍કારીઅોને ફાટક સામેની સોસાયટ‍ીની કમ્પાઉન્ડ વોલ નજર અાવી ન હતી અથવા તો તેની દરકાર કરવામાં અાવી ન હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

હાલ નવા સ્થાને ફાટક મૂકવા માટે નડતરરૂપ એવા રેલવે સ્ટેશનની હદમાં અાવેલા લીમડાના વૃક્ષને ગઈ કાલે રેલવેતંત્ર દ્વારા દૂર કરવામાં અાવ્યું હતું. હવે નવા સ્થાને ઇલેક્ટ્રોનિક્સ ફાટકને મૂકવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં અાવી રહી છે.

લીમડાના વિવાદના કારણે ફાટકની કામગીરીમાં વિલંબ થયો
વેજલપુર રેલવે ફાટકને પહોળું કરવાની બાબતમાં ઘણો વિલંબ થયો છે. રેલવે દ્વારા સવા વર્ષ પહેલાં મુકાયેલા ઈલેક્ટ્રોનિક્સ ફાટક મૂકવામાં અાવ્યા હતા, પરંતુ અા ઈલેક્ટ્રોનિક્સ ફાટકને હકીકતમાં હાલમાં મૂકવામાં અાવનાર છે તે સ્થળે જ મૂકવામાં અાવનાર હતું, પરંતુ અા જગ્યાએ લીમડાનું વૃક્ષ નડતરરૂપ હતું. અા લીમડાને કાપ્યા બાદ તે લઈ જવા માટે એએમસીના અ‌િધ‍કારીઅોએ અાગ્રહ રાખ્યો હતો. જ્યારે રેલવેતંત્રના અ‌િધ‍કારીઅોનું કહેવું હતું કે અમારી હદમાં હોવાથી લીમડાને કાપ્યા બાદ અમે રાખીશું. અા વિવાદના કારણે ફાટક નિયત સ્થળના બદલે હાલના સ્થળે મૂકવામાં અાવ્યા હતા. અંતે ફરીથી અા જગ્યાએ ફાટક મૂકવાની કાર્યવાહી શરૂ કરાઇ હોવાનું રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like