રેલ્વેની કાઉન્ટર ટિકીટ હવે કરી શકશો ઓનલાઇન રદ, જાણો કેવી રીતે

નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને એક વધુ સારી સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાનો લાભ ઉઠાવીને ગ્રાહક સમય અને પૈસા બંને બચાવી શકશે. ભારતીય રેલ્વેએ કાઉન્ટરથી
ટિકીટ બુક કરાવનારાઓને ધ્યાનમાં લઇને આ સુવિધાને શરૂ કરવામાં આવી છે.

કાઉન્ટરથી ટિકીટ લેનારા લોકોને હવેથી તત્કાળ સમયમાં તરત ટિકીટ કેન્સલ કરાવવા માટે રેલ્વે સ્ટેશન દોડવું પડશે નહીં. પરંતુ ગ્રાહક ઓનલાઇન આઇઆરસીટીસીની સાઇટ પરથી ટિકીટ કેન્સલ કરાવી શકશે અને આરામથી જઇને રિફન્ડ લઇ શકશે.

આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે આઇઆરસીટીસીની વેબસાઇટ પર પીએનઆર અને ટ્રેનનો નંબર નાંખવાનો રહેશે. ત્યારબાદ તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે. આ મોબાઇલ નંબર એ જ હોવો જોઇએ ડે કાઉન્ટર ટિકીટ બુક કરાવતાં આપ્યો હોય.

આ જાણકારી આપ્યા પછી વેબસાઇટ પર તમે કેન્સલ ટિકીટ પર ક્લિક કરતાં જ ટિકીટ કેન્સલ થઇ જશે અને રિફન્ડની રકમ પણ જોવા મળશે.

ત્યારબાદ એક મેસેજ તમારા ફોન પર આવશે. જેમાં તમારો પીએનઆર નંબર અને રિફંડ રકમની માહિતી આપી હશે. સાથે એવું પણ જણાવ્યું હશે કે તમે તમારા નજીકના કયા સ્ટેશન પરથી રિફન્ડ લઇ શકો છો.

રેલ્વેની આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે આઇઆરસીટીસીની વેબસાઇટ પર જઇને ક્લિક કરવું પડશે.

You might also like