રેલવેયાત્રી હવે બુક્ડ ટિકિટમાં જર્ની ડેટ નહીં, યાત્રાનું સ્થળ પણ બદલી શકશે

નવી દિલ્હી: જો તમે ર૪ ઓગસ્ટના રોજ યાત્રા કરવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી હોય અને કોઇ કારણસર તમારે યાત્રાની તારીખ બદલવી પડે તો તમે શું કરશો? તમે ફરી વખત ટિકિટ બુુક કરાવીને તે કન્ફર્મ પણ થઇ જાય તેવું વિચારતાં હો તો તેની કોઇ ગેરંટી હોતી નથી, જોકે હવે આ સમસ્યાનું સમાધાન રેલવે પાસે મળી જશે.

રેલવે સ્ટેશન કાઉન્ટર પર બુક કરાયેલી ટિકિટમાં યાત્રાની તારીખને બદલવાની સુવિધા પણ ઇન્ડિયન રેલવે આપે છે. રેલવે પોર્ટલ પર આ જાણકારી ઉપલબ્ધ છે, જોકે આ માટે થોડો ચાર્જ ચૂકવવો પડે છે, સાથે-સાથે આવું માત્ર ઓફલાઇન માધ્યમથી બુક ટિકિટ પર જ થઇ શકે છે.

આઇઆરસીટીસી ઓનલાઇન માધ્યમથી બુક કરેલી ટિકિટ પર આ સુવિધા આપતું નથી. બુક કરેલી ટ્રેન ટિકિટમાં યાત્રાની તારીખને બદલવા માટે તમારે સ્ટેશન કાઉન્ટર પર જવું પડે છે અને એક ટિકિટમાં તારીખમાં ફેરફાર માત્ર એક જ વાર થઇ શકે છે. યાત્રાની તારીખમાં ફેરબદલ મોડામાં મોડા ટ્રેનના ડિપાર્ચરથી બે દિવસ પહેલાં કરવું પડેે છે.

યુઝર આઇઆરસીટીસીની વેબસાઇટ પર જઇને પોતાનું એકાઉન્ટ લોગ ઇન કરીને બોર્ડિંગ સ્ટેશનનું નામ બદલી શકે છે. ઇન્ડિયન રેલવે આ માટે બોર્ડિંગ સ્ટેશનના નામમાં ફેરબદલની અનુમતિ આપતું નથી, જ્યારે ટિકિટ ઓફલાઇન મોડમાં બુક થઇ હોય. જે યાત્રીએ આઇઆરસીટીસીના માધ્યમથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય તે ટ્રેનના ડિપાર્ચરથી ર૪ કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશનના નામમાં ફેરબદલ કરી શકે છે.

રેલવેના વર્તમાન નિયમ ‌મુજબ કન્ફર્મ ઇ-રિઝર્વેશન ટિકિટ પર યાત્રીના નામમાં ફેરબદલની પણ અનુમતિ છે. ર૪ કલાક પહેલાં યાત્રી આ માટે અરજી કરી શકે છે અને પોતાની ટિકિટ પરિવારના અન્ય સભ્યના નામે ટ્રાન્સફર કરી શકે છે.

You might also like