મોટો નિર્ણયઃ ર૦૧૭થી રેલવે બજેટ અલગથી રજૂ નહીં કરાય

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લઇને ૯ર વર્ષ બાદ આગામી વર્ષથી રેલવે બજેટ અલગથી રજૂ કરવાની પ્રથા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હવે આગામી વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ નહીં કરાય, પરંતુ સામાન્ય બજેટની સાથે જ રજૂ કરવામાં આવશે.

અહેવાલો અનુસાર નાણાં મંત્રાલય પણ રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે સામેલ કરવા માટે તૈયાર થઇ ગયું છે. નાણાં મંત્રાલયે આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે પાંચ સભ્યની ટીમ બનાવી હતી. આ ટીમના અહેવાલ પર હવે રેલવે બજેટ અલગથી રજૂ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પણ રાજ્યસભામાં જણાવ્યું હતું કે તેમણે નાણાં મંત્રાલય અને નાણાપ્રધાન અરુણ જેટલીને રેલ બજેટ અલગથી રજૂ કરવાની પ્રથા નાબૂદ કરવા જણાવ્યું છે. સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે આ નિર્ણયને પગલે દેશને આર્થિક ફાયદો થશે.

હવે રેલવેને પણ અન્ય મંત્રાલયની જેમ નાણાં મંત્રાલય તરફથી જ નાણાં ફાળવવામાં આવશે. હવે રેલવે દ્વારા કરવામાં આવતા ખર્ચ અને આવક પર નાણાં મંત્રાલયની બાજ નજર રહેશે. રેલવે બજેટની પરંપરા બ્રિટીશકાળથી ચાલતી આવી છે. સૌપ્રથમ વખત નીતિ આયોગના સભ્ય વિવેક દેબરોય અને કિશોર દેસાઇએ રેલવે બજેટની પ્રથા નાબૂદ કરવા જણાવ્યું હતું.

You might also like