હવે બાળકોને દૂધ, ગરમ પાણી બેબી ફૂડ ટ્રેનમાં જ મળી શકશે

નવી દિલ્હી: નાનાં બાળકોને સાથે લઈને ચાલનારી માતાઅો માટે અાજથી ટ્રેનની સફર થોડીક સરળ બનશે. અાજથી રેલવે તરફથી જનની સેવા શરૂ થઈ રહી છે. અા યોજના હેઠળ પસંદ કરાયેલી ટ્રેનો ઉપરાંત સ્ટેશનો પર નાનાં બાળકો માટે દૂધ, ગરમ પાણી, બેબી ફૂડ, ચોકલેટ, બિસ્કિટ વગેરેની સુવિધા અાપવામાં અાવશે.

રેલવે મંત્રી સુરેશ પ્રભુ અાજે એક સમારંભમાં જનની સેવાનું ઉદ્ઘાટન કરશે. પ્રભુઅે ૨૦૧૬-૧૭ના રેલવે બજેટમાં અા અંગે જાહેરાત કરી હતી. જનની સેવા હેઠળ સ્ટેશનો પર ઝોનલ રેલવે તથા અાઈઅારસીટીસીના તમામ સ્ટોલમાં બાળકોની જરૂરિયાત સંબંધિત ખાદ્ય સામગ્રી રાખવી અનિવાર્ય થશે. ટ્રેનોની પેન્ટ્રીમાં પણ અા સુવિધા પૂરી પાડવામાં અાવશે. રેલ મંત્રાલય અા વર્ષે રેલ બજેટમાં કરાયેલી જાહેરાતોને ખૂબ જ ઝડપથી લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અા ઉપરાંત ડિજિટલ ઇન્ડિયાના કારણે રેલ ભવનમાં બેઠા બેઠા વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરના વિવિધ ભાગમાં રેલ સેવાઅોનું ઉદ્ઘાટન કરવામાં અાવ્યું છે. યાત્રી સુવિધાઅો સંબંધિત જાહેરાતોના અમલમાં સરળતા થઈ રહી છે.

અા પહેલાં રેલ મંત્રીઅો મોટાભાગનો સમય ટ્રેનોને લીલીઝંડી બતાવવા કે કમ્પ્યૂટરરાઈઝ્ડ રિઝર્વેશન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં જ વિતાવતા હતા. કેમ કે અા માટે તેમને એ જગ્યાઅો પર ચાલીને જવું પડતું હતું. હવે રેલવે પ્રધાન અે જગ્યાઅો પર જ જાય છે જે રાજકીય દૃષ્ટિઅે અત્યંત મહત્વના હોય. તેના કારણે તેમને મહત્વની બેઠકોની અધ્યક્ષતા કરવા, યોજના પર વિચારણા કરવા, નિર્ણય લેવા તથા સેવાઅોમાં સુધાર ઉપરાંત ગ્રાહકોની સમસ્યાઅો અને ફરિયાદોના સમાધાન માટે વધારે સમય મળે છે.

રેલ ભવનમાં હવે દર બીજા ત્રીજા દિવસે કોઈને કોઈ બજેટ ઘોષણા પર અમલ થાય છે. પ્રભુની વ્યસ્તતાની સ્થિતિમાં રેલવે બોર્ડના અધિકારીઅો અા કાર્યક્રમોની અધ્યક્ષતા કરે છે. પ્રભુઅે દિલ્હીથી બહાર સેવાઅોના ઉદ્ઘાટનનો સિલસિલો પણ શરૂ કરી દીધો છે. તેના કારણે જાહેરાતોના અમલની ગતિ ઝડપી બની છે.

You might also like