રેલ યાત્રા મોંઘી બનશેઃ ભાડાં વધારવાની તૈયારી

નવી દિલ્હી: હવે રેલ મુસાફરી મોંઘી પડશે. રેલવે સંસાધનો ઊભાં કરવા માટે ફરીથી ભાડામાં વધારો કરવાની વેતરણમાં છે. નાણાં મંત્રાલયે રેલવે માટે વિશેષ સુરક્ષા ભંડોળના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ હવે રેલવે સ્વયં સંસાધનો ઊભાં કરવા ભાડા વધારો કરશે.
રેલવેએ સેફટી ફંડ તરીકે રૂ.૧,૧૯,૧૮૩ કરોડ સરકાર પાસે માગ્યા હતા, પરંતુ નાણાં મંત્રાલયે આ પ્રસ્તાવ ફગાવી દઇને રેલવેને સ્વયં સંસાધનો ઊભાં કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે માત્ર રપ ટકા જ સુરક્ષા ભંડોળ આપવાની સંમતિ વ્યક્ત કરી છે અને બાકીનાં ૭પ ટકા સંસાધનો રેલવેને સ્વયં ઊભાં કરવા જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવે પ્રધાન સુરેશ પ્રભુ હજુ પણ ભાડા વધારો કરવાની તરફેણમાં નથી, કારણ કે સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીમાં ભાડાં વધારે હોવાથી બુકિંગમાં ઘટાડો જોવા મળ્યો છે, જોકે રિપોર્ટ અનુસાર સ્લીપર, સેકન્ડ કલાસ અને થર્ડ એસી પર વધારે, જ્યારે ફર્સ્ટ અને સેકન્ડ એસી પર ઓછો સેસ લાદવામાં આવશે.

આમ, રેલવેઅે ભાડા વધારવા માટે તૈયારીઓ કરી લીધી છે. માત્ર આખરી નિર્ણય લેવાનો બાકી છે. હવે રેલવે પ્રધાનને નાણાં મંત્રાલય દ્વારા રાહત પેકેજ આપવાનો ઇનકાર કરાયા બાદ ભાડા વધાર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. રેલવેઅે ટ્રેક ઇમ્પ્રુવમેન્ટ, સિગ્નલ સિસ્ટમ અપગ્રેડેશન, માનવરહિત ક્રોસિંગ વગેરેને વ્યવસ્થિત કરવા સુરક્ષા સંબંધિત ખર્ચ માટે ભંડોળ એકત્ર કરવાની યોજના તૈયાર કરી હતી, પરંતુ નાણાં મંત્રાલયે આ પ્રસ્તાવને ફગાવી દેતાં હવે રેલભાડાં વધાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

home

You might also like