રેલવે સ્ટેશનના બાથરૂમ અને પે એન્ડ યુઝ ટોઈલેટના દર વધ્યા

અમદાવાદ: રેલવે તંત્રએ સ્નાનગૃહ અને પે એન્ડ યુઝ ટોઇલેટ વ્યવસ્થાના ભાવમાં બમણો વધારો કરી દીધો છે. પે એન્ડ યુઝ પોલિસી ર૦૧૮ અંતર્ગત રેલવે તંત્રએ રેલવે સ્ટેશન ઉપર ઉપલબ્ધ સુવિધા પે એન્ડ યુઝ ટોઇલેટના નવા ભાવો જાહેર કરી દીધા છે. આ અન્વયે સ્નાન માટે રૂ.૧૦ અને ટોઇલેટના ઉપયોગ માટે યાત્રીઓએ રૂ.પની ચૂકવણી કરવી પડશે.

એક તરફ રેલવે પ્રવાસીઓ માટે નવી નવી સુવિધાઓ જાહેર કરી રહ્યું છે તો બીજી તરફ રેલવેમાં મુસાફરી કરતા હજારો યાત્રીઓ રેલવે પ્લેટફોર્મ પર પ્રતીક્ષા દરમ્યાન પે એન્ડ યુઝનો ઉપયોગ કરે છે. તેમાં બમણો ભાવ વધારો ઝીંકતા યાત્રીઓમાં કચવાટ ઊભો થયો છે.

આ અંગે અમદાવાદ રેલવે સ્ટેશનનાં પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા માટે રેલવે તંત્રએ પે એન્ડ યુઝ ર૦૧૮ પોલિસી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેનો હવે અમલ કરવામાં આવી રહ્યો છે. આ પોલિસી હેઠળ ટોઇલેટ અને સ્નાનગૃહની સુવિધા અને સફાઇ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે.

રેલવે તંત્રમાં ટ્રેનના કોચ ઉપરાંત વેઇટિંગ રૂમ સહિતનાં સ્થળોએ બાથરૂમ ટોઇલેટની વ્યવસ્થા નિઃશુલ્ક છે. પરંતુ રેલવે સ્ટેશન પરિસર અને પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલા પે એન્ડ યુઝ માટે યાત્રીઓએ પૈસા આપવા પડે છે. હાલમાં ટોઇલેટ માટે રૂ.ર અને સ્નાન માટે રૂ.૩ ચૂકવવા પડતા હતા તે વધીને હવે રૂ.પ અને સીધા ૧૦ કરી દેવાયા છે.

નવા નિયામકે પોલિસી હેઠળ હવે રેલવે તંત્ર નવાં પે એન્ડ યુઝ બનાવશે નહીં. ખાનગી કંપની, એજન્સી કે સેવાભાવી સંસ્થાઓને તેનો કોન્ટ્રેકટ અપાશે તેના માટેની જમીન રેલવે આપશે અને તેના બદલામાં ૧પ વર્ષ સુધી પે એન્ડ યુઝ ચલાવવાનો અધિકાર રેલવે જે તે તંત્રને આપશે.

નવા વધારાયેલા દરમાં પે એન્ડ યુઝમાં યાત્રીને સામાન રાખવાની સુવિધા પણ આપશે. યાત્રીઓને સફાઇની વધુ સુવિધા મળશે તો સાથે સાથે ભાવ બમણા ચૂકવવા પડશે.

You might also like