રેડ પડતાં જુગારિયો ગેલેરી પરથી કૂદયો ને નીચે પટકાતાં પગ ભાંગ્યો

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગુલઝાર હોટલ પાસે અાવેલા એકતા એપાર્ટમેન્ટમાં ચાલતાં જુગારધામ પર ગત મોડી રાત્રે ગોમતીપુર પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એક જુગારિયાઅે નાસવા જતાં ગેલેરી પરથી કૂદકો માર્યો હતો. તેના કારણે તેને પગમાં ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. પોલીસે ૧૦ ઇસમોની ધરપકડ કરી રૂ. ૫૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ પીએસઅાઈ એનપી રાઠોડ અને ટીમને બાતમી મળી હતી કે ગોમતીપુર પાકાવાડામાં રહેતો મોહમંદ શરીફ ઉર્ફે બાબા કાલિયા શેખ ગુલઝાર હોટલ પાછળ એકતા એપાર્ટમેન્ટમાં બારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે જેના અાધારે પોલીસે એપાર્ટમેન્ટમાં ૪૦૨ નંબરના મકાનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસ દરોડો પાડતાં જુગારીઅોમાં નાસભાગ મચી ગઈ હતી. દરમિયાનમાં એક જુગારિયાઅે દરવાજાથી બહાર નીકળી ગેલેરીમાંથી નીચે કૂદકો માર્યો હતો. નાસી જનાર અારોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી.

પોલીસે ૧૦ જેટલા લોકોને ૮ મોબાઈલ ફોન, રોકડ રૂપિયા ૩૫,૦૦૦ સહિત ૫૮ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. ચોથા માળેથી નીચે કૂદકો મારનાર મહેન્દ્ર કોસ્ટી (રહે. ઘોડાસર)ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યો હતો. અારોપી મોહમંદ શરીફે બે દિવસ પહેલાં જ જુગાર રમાડવા માટે અા મકાન ભાડે રાખ્યું હતું. પોલીસે ૧૦ જુગારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like