સેટેલાઈટના કેનયુગ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ છ પકડાયા

અમદાવાદ: શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા ફલેટમાં ભાડુતી માણસો રાખી ચલાવાતા જુગારધામ પર ગત મોડી રાત્રે ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જુગાર રમતાં છ શખસની ધરપકડ કરી હતી. ફલેટમાંથી રોકડા રૂ.૮૭,૦૦૦, ત્રણ વાહન મળી કુલ રૂ.૧.૭૬ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

ગાંધીનગર વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદનાં શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ કેનયુગ ફલેટમાં એફ-ર, નંબરના મકાનમાં કેટલાક શખસ જુગાર રમી રહ્યા છે. જેના આધારે ગઇ કાલે મોડી રાત્રે વિજિલન્સની ટીમે ફલેટમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે દેવેન્દ્ર દિનકર દેસાઇ (રહે.કેનયુગ ફલેટ, શ્યામલ), હસમુખ સોલંકી (રહે.સૌરાષ્ટ્ર સોસાયટી, ભુદરપુરા), અંક્તિ દિનેશ શાહ (રહે.મિલન પાર્ક સોસાયટી, વેજલપુર), મહમંદ સાદિક અહેમદ હુસેન (રહે.દરિયાપુર), વિકાસ અશ્વિનભાઇ જેઠવા (રહે.પાર્થભૂમિ એપાર્ટમેન્ટ, બોપલ) અને સૂર્યકાંત વોરા (રહે.રૂપલ પાર્ક સોસાયટી, અંકુર, નારણપુરા)ને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે ફલેટમાંથી રોકડા રૂ.૮૭,૦૦૦ મોબાઇલ, એક્ટિવા, એક્સેસ અને બાઇક મળી કુલ રૂ.૧.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી દેવેન્દ્ર દિનકર દેસાઇ પોતાના જ મકાનમાં બહારથી લોકોને બોલાવી પૈસા પાનાંનો જુગાર રમાડતો હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ જુગારીઓને એસી, પાણી વગેરેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હતી.

http://sambhaavnews.com/

You might also like