મુંબઈના કાશીમીરામાં સૌથી મોટી પોલીસ રેડમાં ૭૦૦ની અટકાયત

મુંબઈઃ થાણે પોલીસે મુંબઈ નજીક આવેલા કાશીમીરા વિસ્તારમાં દેશની અત્યાર સુધીની રેડમાં સૌથી મોટી રેડ પાડી લગભગ 700 લોકોની અટકાયત કરી છે, જેમાં કોલ સેન્ટરના કર્મચારી, મેનેજર અને માલિક પણ સામેલ છે. પોલીસની આ રેડથી આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.  થાણેના પોલીસ કમિશનર પરમબીર સિંહના જણાવ્યા અનુસાર પોલીસે આ વિસ્તારની ત્રણ ઈમારતમાં આવેલા નવ કોલ સેન્ટર પર રેડ પાડી હતી. ગઈ કાલે શરૂ થયેલી આ રેડની કાર્યવાહી આજે વહેલી સવારના સાડા પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી. તેમણે જણાવ્યું કે થાણે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કોલ સેન્ટરના બહાને આંતરરાષ્ટ્રીય ઠગાઈને લગતી નેટવર્કની કાર્યવાહી ચાલી રહી છે. આવી માહિતીના આધારે તપાસ કર્યા બાદ પોલીસે આવી રેડ પાડી હતી, જેમાં લગભગ 200 પોલીસ કર્મચારી સાથે કુલ નવ કોલ સેન્ટરમાં કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ કમિશનરે આ મામલે આ નેટવર્ક કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે માહિતી આપવા ઈનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે હજુ આ મામલે સમગ્ર કાર્યવાહી પૂરી થયા બાદ જ તેની તમામ વિગતો બહાર પાડવામાં આવશે.

આ કોલ સેન્ટરોમાંથી અમેરિકામાં લોકોને 911 ફોન નંબરથી કોલ કરીને ટેકસ રિવિઝનનો હવાલો આપી કેસ દાખલ કરવાની અને ધરપકડ કરવાની ધમકી આપી છેતરપિંડી કરવામાં આવતી હતી, જેમાં અમેરિકામાં રહેલી ગેંગના સભ્ય ત્યાં તેમની જાળમાં ફસાયેલા લોકોને બોલાવીને આવી ઠગાઈ કરતા હતા અને તેમાંથી જે રકમ મળતી હતી તે 70-30ના રેશિયામાં વહેંચવામાં આવતી હતી.

You might also like