રાહુલ ગાંધી અયોધ્યામાંઃ મંદિર અને દરગાહની મુલાકાત લેશે

અયોધ્યા: લગભગ ૨૬ વર્ષના લાંબા ગાળા બાદ ગાંધી પરિવારના કોઈ સભ્ય અયોધ્યાની મુલાકાતે આવ્યા છે. આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સવારે મંદિરની અને સાંજે દરગાહની મુલાકાત લેશે. આ અગાઉ ૧૯૯૦માં પૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધી સદ્ભાવના યાત્રા લઈને અયોધ્યા ગયા હતા, પરંતુ હનુમાનગઢીમાં તેમનાં દર્શન અને પૂજનનો કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ થઈ ગયો હતો ત્યારે હવે કિસાન યાત્રા લઈને આવી રહેલા તેમના પુત્ર રાહુલ ગાંધી આજે અયોધ્યામાં હનુમાનગઢી જશે અને ત્યાં દર્શન અને પૂજા કરશે.

આ દરમિયાન રાહુલ ગાંધી ફૈઝાબાદ, અયોધ્યા અને આંબેડકરનગરની યાત્રા દરમિયાન સમગ્ર દેશને શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપશે. આજે સવારે તેઓએ અયોધ્યામાં હનુમાનગઢી જઈને દર્શન અને પૂજા કરી હતી, જ્યારે સાંજે તેમના આંબેડકરનગરના પ્રવાસ દરમિયાન કિછૌછા દરગાહ શરીફમાં જઈને તેઓ જિયારત કરશે. તેઓ તેમના આ પ્રવાસથી હિન્દુ અને મુસ્લિમોને કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપવા માગે છે.

ફૈઝાબાદના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી હળધારી કિસાનના સ્વરૂપમાં જોવા મળશે. ત્યાં તેઓ પૂરાબજારના રામલીલા મેદાનમાં કિસાનોની મુલાકાત દરમિયાન તેમના માથા પર સાફો બાંધી કિસાનો તરફથી આપવામાં આવનારા હળની ભેટ સ્વીકારશે. આ રામલીલા મેદાન નજીક તેઓ અેક દલિત વસ્તીમાં પણ થોડો સમય વિતાવશે. રાહુલ ગાંધીની અયોધ્યા યાત્રા અને હનુમાનગઢીમાં દર્શન અને પૂજાના કાર્યક્રમ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો. નિર્મલ ખત્રીએ જણાવ્યું કે સ્વ. રાજીવ ગાંધીને હનુમાનગઢી જવાનું હતું, પરંતુ યાત્રા દરમિયાન મોડું થતાં અને અંધારું થઈ જતાં અને આ સમયે ફૈઝાબાદથી વિમાનના ઉડ્ડયનમાં મુસીબત આવવાની આશંકાથી તેમની હનુમાનગઢીની યાત્રા રદ કરવી પડી હતી ત્યારે સ્વ. રાજીવ ગાંધી બહારથી જ હનુમંત લલ્લાને પ્રણામ કરી અેરપોર્ટ તરફ રવાના થઈ ગયા હતા ત્યારે હવે ૨૬ વર્ષ બાદ તેમના પુત્ર રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે.

You might also like