રાહુલ, સોનિયા ગાંધી, મનમોહનનાં ધરણાંઃ રામલીલા મેદાન પર દેખાવો

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો અને મોંઘવારીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનનું નેતૃત્વ સંભાળવા પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની યાત્રાએથી પરત આવીને રાજઘાટ પર પહોંચી ગયા હતા.

રાહુલ ગાંધીએ રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને કૈલાસ માનસરોવરથી લાવેલા જળનો બાપુની સમાધિ પર અભિષેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે કોંગ્રેસની કૂચની આગેવાની સંભાળી હતી.

રાહુલ ગાંધી સાથે પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમજ અન્ય પક્ષોના નેતાઓ ધરણાં પર બેસી ગયા હતા. ડો.મનમોહનસિંહે જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવ વધારાથી આમ જનતા પરેશાન છે અને હવે સરકાર બદલવાનો સમય પાકી ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે તમામ વિપક્ષોએ સંગઠિત થવું પડશે. નાના મુદ્દાઓ પરના મતભેદો ભૂલીને લોકોનો અવાજ બુલંદ કરવો પડશે. મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઇ છે.

આ અગાઉ તેઓ કોંગ્રેસની કૂચ કાઢીને રામલીલા મેદાન પર પણ ગયા હતા. આ કૂચમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત એનસીપીના પ્રમુખ શરદ પવાર, જનતા દળના નેતા શરદ યાદવ, તારિક અનવર, રાજદના નેતા મનોજ ઝા, જેડીએસના દાનીશ અલી અને આરએલડીના જયંત ચૌધરી જેવા નેતાઓ આ કૂચમાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.

રામલીલા મેદાન પર વિરોધ પક્ષના ધરણાંમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પણ પહોંચ્યા હતા.

You might also like