રાહુલ…રાહુલના નારાથી દુબઈ એરપોર્ટ ગુંજી ઊઠ્યુંઃ બે દિવસના પ્રવાસે પહોંચ્યા

દુબઇઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઇ અને અબુધાબીના બે દિવસના પ્રવાસે અત્રે પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. દુબઇમાં પણ રાહુલ રાહુલના નારા ગુંજી ઊઠ્યા હતા. લોકોમાં રાહુલ ગાંધીના પ્રવાસને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ર૦૧૯માં રાહુલ ગાંધીનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ છે.

રાહુલ ગાંધી દુબઇ અને અબુધાબીમાં ભારતીય સમુદાયને મળશે અને વિદ્યાર્થીઓ તેમજ બિઝનેસમેન સાથે પણ તેમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પક્ષ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સામ પિત્રોડા અને કેરળના મુખ્યપ્રધાન ઓમાન ચાંડી દુબઇ પહોંચી ગયા છે.

ગુરુવારે મોડી રાત્રે રાહુલ ગાંધી જ્યારે દુબઇ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાય લોકો તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા હતા. રાહુલ ગાંધી જિન્સ ટીશર્ટ બ્લેઝરમાં સજ્જ હતા. રાહુલ ગાંધી દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા એક મોટા સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લેનાર છે.

મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતી પ્રસંગે દુબઇ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા એક મેઘા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રાહુલ ગાંધી મુખ્ય અતિથિ રહેશે. આ કાર્યક્રમ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યમાંથી આવેલ ૭૦ લોકકલાકારો પોતાની કળા રજૂ કરશે.

રાહુલ ગાંધી આ પ્રસંગે ભારત કા વિચાર પર પોતાનું વકતવ્ય આપશે. રાહુલ ગાંધી યુએઇના પ્રધાનો, અધિકારીઓ, ભારતીય પ્રવાસી કામદારો, ઇન્ડિયન બિઝનેસ પ્રોફેશનલ કાઉ‌િન્સલના સભ્યો અને યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે પણ મુલાકાત કરશે.

You might also like