રાહુલ 15મીએ અને પ્રિયંકા 18 એપ્રિલે ગુજરાત આવશે

અમદાવાદ: આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઇ ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતને ધમરોળશે. બીજી તરફ કોંગ્રેસ આ વખતે ‘સૌને સમાન ન્યાય’નાં સૂત્ર સાથે આક્રમકતાથી મતદારોને આકર્ષવાની હોઇ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રાહુલ ગાંધી આગામી તા.૧પ એપ્રિલે અને પ્રિયંકા ગાંધી આગામી તા.૧૮ એપ્રિલે રાજ્યમાં ચૂંટણી સભા ગજાવવા આવે તેમ ચર્ચાઇ રહ્યું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ એપ્રિલે ગુજરાત આવવાના છે. તેમના ગુજરાત ચૂંટણી પ્રવાસની તારીખ લગભગ નિશ્ચિત છે. જોકે તેઓ કયા શહેરમાં ચૂંટણી સભા કરશે તે શહેર હજુ નક્કી કરાયું નથી. તે માટે અત્યારે અટકળો ચાલી રહી છે. જેે મુજબ રાહુલ ગાંધી પહેલા રાજકોટ અને પછી અમરેલીમાં જાહેર સભા કરશે તેવું જાણવા મળ્યું છે.

બીજી તરફ કોંગ્રેસના અદના કાર્યકરોથી લઇને ટોચના નેતાઓમાં પક્ષના રાહુલ ગાંધી પછીના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચાર પ્રવાસને લઇને ભારે ઉત્સુકતા છવાઇ છે. અગાઉ તેઓ સોમનાથ, દ્વારકા અને અંબાજી એમ રાજ્યના દેશભરમાં પ્રસિદ્ધ એવા આ ત્રણેય યાત્રાધામના દર્શન કરશે અને ચૂંટણી સભાને સંબોધશે તેવી ચર્ચા ઊઠી હતી.

જોકે હવે પ્રિયંકા ગાંધી પહેલાં અંબાજી અને ત્યાંથી સુરતની મુલાકાત લેશે તે બાબત ચર્ચાસ્પદ બની છે. પ્રિયંકા ગાંધીનો સોમનાથ, દ્વારકાનો પ્રવાસ પડતો નથી મુકાયો, પરંતુ તેમના ગુજરાત પ્રવાસના બીજા રાઉન્ડમાં તેઓ સોમનાથ, દ્વારકા જશે તેમ જાણવા મળ્યું છે.

(અમદાવાદ બ્યૂરો)

You might also like