રાહુલ કાલથી કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ એકેય મંદિરમાં નહીં જાય

શનિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળની ૮૯ બેઠક માટે મતદાન થવાનું હોઇ બન્ને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું પ્રચારયુદ્ધ પરાકાષ્ઠાએ જઇ રહ્યું છે, તાજેતરમાં રાહુલ ગાંધીના સોમનાથ મંદિરનાં દર્શન વખતે ઊભા થયેલા ધર્મ અંગેના વિવાદથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આવતી કાલથી રાહુલ ગાંધીનો બે દિવસનો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ થવાનો છે, પરંતુ પ્રચાર પ્રવાસમાં હજુ સુધી કોઇ મંદિરનાં દર્શનનો કાર્યક્રમ ગોઠવાયો નથી.

જોકે રાહુલ ગાંધીના આવતી કાલથી પ્રારંભ થનારા કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રચાર પ્રવાસના અત્યાર સુધીના આયોજનમાં કોઇ મંદિરનાં મુલાકાત લેવાની બાબત હજુ નક્કી કરાઇ નથી. સોમનાથ મંદિરના વિવાદ બાદ પ્રથમ વાર ગુજરાત આવતા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં મંદિર મુલાકાતને સામેલ કરાઇ ન હોઇ આ બાબત રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે. તા.રપ ઓક્ટોબરથી રાહુલ ગાંધી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અત્યાર સુધીના તમામ પ્રવાસમાં તેમણે રાજ્યનાં સુપ્રસિદ્ધ મંદિરની મુલાકાત લીધી છે.

અંજાર ખાતે આવતી કાલે બપોરે ૧ર વાગ્યે જાહેર સભાને સંબોધીને તેઓ બે દિવસના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. અંજારમાં સભા સંબોધ્યા બાદ મોરબી જશે. મોરબી બાદ ધ્રાંગધ્રા જઇને તેઓ સાંજે સુરેન્દ્રનગરના એમ.પી. શાહ સાયન્સ કોલેજ મેદાનમાં લોકોને સંબોધ્યા બાદ રાત્રી રોકાણ સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસમાં કરશે. ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગરનો પ્રવાસ રાહુલ ગાંધી બસ મારફતે કરશે.

૭મીએ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતનો એક દિવસનો પ્રચાર પ્રવાસ ખેડશે. રાજપીપળામાં બપોરે બાર વાગ્યે જાહેર સભાને સંબોધ્યા બાદ તેઓ આહવામાં લોકોને સંબોધશે. આહવાથી સોનગઢ અને ત્યાંથી તાપી ‌િજલ્લાના બાજીપુરામાં ચૂંટણી સભાને સંબોધીને રાહુલ ગાંધી મોડી સાંજે‌ દિલ્હી જવા
રવાના થશે.

You might also like