રાહુલ ગાંધીએ માં અંબાના શરણે પહોંચ્યા,દર્શન કર્યાં, દાન પણ કર્યું, રાત્રિ રોકાણ પણ કરશે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધીએ આજે સવારે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અને હવે તેઓ પોતાની યાત્રાને આખરી ઓપ આપવા માટે અંબાજી પહોંચ્યા છે.

રાહુલ ગાંધી રાત્રે 8 વાગ્યે અંબાજી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું અંબાજીમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને પરંપરાગત ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં રાહુલ ગાંધીએ માં અંબાના દર્શન કર્યા હતા અને આશિર્વાદ લીધા હતા. રાહુલ ગાંધીએ અંબાજી મંદિરમાં દાન પણ કર્યું હતું.

રાહુલ ગાંધીએ ચાચર ચોકમાં બાળકીઓ દ્વારા આયોજિત ગરબા પણ નિહાળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી પોતાની પ્રથમ દિવસની યાત્રાને અંબાજીમાં વિરામ આપશે. રાહુલ ગાંધી આજે અંબાજીમાં જ રાત્રિ રોકાણ કરશે.

રાહુલ ગાંધીની સાથે સાથે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને પરેશ ધાનાણી પણ પહોંચ્યા હતા અને માં અંબાના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીને જોવા માટે અંબાજી મંદિરની આજુબાજુ લોકો ટોળે પણ વળી ગયા હતા.

You might also like