રાહુલ ગાંધી આજે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની એક દિવસીય મુલાકાત કરીને પૂરપ‌ીડિતોની વ્યથા જાણવા આવી રહ્યા છે. તેઓ ધાનેરા, ડીસા, સાંતલપુર, રાધનપુરની મુલાકાત લઇને સાંજે દિલ્હી પરત જવા રવાના થશે.

તાજેતરના વરસાદમાં સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. તેમાં પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદથી જાનમાલનેે જબ્બર ખાનાખરાબી થતાં હજારો લોકો અસરગ્રસ્ત થયા છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કેમ્પ ચલાવાઇ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ આવતી કાલે બપોરે ગુજરાત આવશે.

દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીશ દોશી કહે છે કે, ‘આજે બપોરે બે વાગ્યે રાહુલ ગાંધી ગુજરાતના પૂરપીડિતોની મુલાકાત લેશે. તેઓ દિલ્હીથી સીધા ધાનેરા, ડીસા, સાંતલપુર અને રાધનપુરમાં પૂરપીડિતોની વ્યથા જાણી રૂબરૂ વાકેફ થશે. ત્યાર બાદ તેઓ દિલ્હી જવા સાંજે રવાના થશે.

આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અમદાવાદની મુલાકાતે આવ્યા છે તેઓ આજે રાહુલ ગાંધીના પ્રવાસ નિમિત્તે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે. તેઓ પણ આવતી કાલે રાહુલ ગાંધીની સાથે ઉત્તર ગુજરાત જઇ રહ્યા છે. તેમની સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના પ્રદેશના આગેવાનો જોડાશે.

You might also like